નવી દિલ્હીઃ કોરોના-પ્રતિરોધક કોવિશીલ્ડ રસીના બે ડોઝ વચ્ચે સમયનું અંતર, જે પહેલાં 6-8 અઠવાડિયાનું હતું, તે હવે 12-16 અઠવાડિયા જેટલું વધારી દેવામાં આવ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ જાહેરાત કરી છે. તે છતાં એણે એવી સ્પષ્ટતા પણ કરી છે કે કોવેક્સિન રસીના બે ડોઝ વચ્ચે સમયનું અંતર યથાવત્ જ રહેશે.
કોવિશીલ્ડ રસીની અસરકારકતા વધે એ માટે બે ડોઝ વચ્ચે સમયનું અંતર વધારવાની નેશનલ ટેક્નિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઈમ્યુનાઈઝેશન તરફથી ભલામણ કરવામાં આવી હતી. સરકારે એમ પણ કહ્યું છે કે ભારત બાયોટેક કંપની દ્વારા નિર્મિત કોવેક્સીન રસીની ફોર્મ્યુલા દેશની અન્ય ફાર્માસ્યુટિકલ કંપનીઓને શેર કરવા સરકાર સંમત થઈ છે. આ માટે તે કંપનીઓ સાથે સંપર્કમાં છે.