નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં મંત્રાલયે જાહેરાત કરી છે કે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં નવા સંસદભવનની ઈમારતના આવતી 28 મેએ થનાર ઉદઘાટન પ્રસંગની ઉજવણી રૂપે અને પ્રસંગની યાદગીરી રૂપે રૂ. 75ના મૂલ્યનો એક વિશેષ સિક્કો બહાર પાડવામાં આવશે.
વિશેષ સિક્કાની એક તરફ અશોક સ્તંભના પ્રતિષ્ઠિત સિંહ (લાયન કેપિટલ) હશે જેની નીચે ‘સત્યમેવ જયતે’ લખેલું હશે. ડાબી અને જમણી બાજુએ દેવનાગરી લિપિમાં ‘ભારત’ અને અંગ્રેજી શબ્દ ‘ઈન્ડિયા’ લખેલા હશે. સિક્કા પર ભારતીય રૂપિયાનું ચિન્હ પણ દર્શાવેલું હશે અને લાયન કેપિટલની નીચે દેવનાગરી લિપિમાં રૂપિયાનો સિમ્બોલ તેમજ આંતરરાષ્ટ્રીય આંકડામાં 75નું મૂલ્ય પણ દર્શાવેલું હશે. સિક્કાની બીજી બાજુએ નવા સંસદભવન સંકુલનો શિલાલેખ (ચિત્ર) હશે. ઉપરની બાજુએ દેવનાગરી લિપિમાં ‘સંસદ સંકુલ’ લખેલું હશે જ્યારે નીચેની બાજુએ અંગ્રેજીમાં ‘પાર્લામેન્ટ કોમ્પ્લેક્સ’ લખેલું હશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવા સંસદભવનનું ઉદઘાટન કરશે અને સ્મારક સિક્કાનું અનાવરણ કરશે.