કેન્દ્રએ માલ્યાના પ્રત્યાર્પણમાં કાનૂની અડચણો કોર્ટને જણાવી

નવી દિલ્હીઃ કેન્દ્રએ સોમવારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને યુકેથી પ્રત્યાર્પણ કરવાના તમામ પ્રયાસો જારી છે, પરંતુ કાયદાકીય પ્રક્રિયામાં કાયદાકીય ઇશ્યુઓ ઊભા થવાને કારણે સમય લાગી રહ્યો છે. વિજય માલ્યા બંધ થયેલી કિંગફિશર એલાઇન્સમાં રૂ. 9000 કરોડથી વધુની બેન્ક લોન ડિફોલ્ટ કેસના આરોપી છે. માલ્યાના પ્રત્યાર્પણ વોરન્ટ પર સ્કોટલેન્ડ યાર્ડ દ્વારા અમલ બાદ 18 એપ્રિલ, 2017થી જામીન પર છે.

સર્વોચ્ચ કોર્ટે અગાઉ વર્ષ 2017ના ચુકાદાની સમીક્ષાની અરજીને ફગાવી દીધી હતી, કોર્ટે તેમનાં બાળકોના ખાતામાં 4 કરોડ ડોલર ટ્રાન્સફર કરવા બદલ તેમને દોષી ઠેરવ્યા હતા. ગયા વર્ષે 31 ઓગસ્ટે કોર્ટે માલ્યાને પાંચ ઓક્ટોબર, 2020 એ હાજર થવાનો નિર્દેશ કર્યો હતો.

જસ્ટિસ યુ.યુ. લલિતની અધ્યક્ષતાવાળી બેન્ચે સોમવારે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ માલ્યાના પ્રત્યારોપણનો અહેવાલ સોંપવા માટે સમય માગ્યા પછી સુનાવણી 15 માર્ચ સુધી મુલતવી રાખી હતી.

મહેતાએ માલ્યાના પ્રત્યાર્પણની સ્થિતિ અંગે વિદેશ મંત્રાલયના પત્રને શેર કરતાં કહ્યું હતું કે  MEAએ આ મુદ્દો યુકે સાથે ઉઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે સરકાર ભાગેડુ માલ્યાને લાવવાના તમામ પ્રયત્નો કરી રહી છે.

યુકે સરકાર દ્વારા MEAને કહેવામાં આવ્યું હતું કે માલ્યાના પ્રત્યાર્પણનો મુદ્દો યુકે સરકાર સાથે ઉકેલાઈ ના જાય ત્યાં સુધી પ્રત્યાર્પણ ના થઈ શકે. આ મુદ્દો ઉકેલવામાં કેટલો સમય લાગશે એ વિશે અમે કશું કહી શકતા નથી. ભારત સરકાર માટે આ કેસ મહત્ત્વનો છે બ્રિટિશ સરકાર શક્ય એટલી જલદી આ મુદ્દે નિવેડો લાવવાના પ્રયાસો કરશે.