હેલિકોપ્ટર દુર્ઘટનામાં જનરલ બિપીન રાવત, 11 જવાનનું મૃત્યુ

ચેન્નાઈઃ તામિલનાડુમાં આજે ભારતીય હવાઈ દળના એક હેલિકોપ્ટરને નડેલી દુર્ઘટનામાં દેશના ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપીન રાવત તથા અન્ય 11 જવાનનું કરૂણ મૃત્યુ નિપજ્યું છે. ભારતીય હવાઈ દળે સાંજે આ જાહેરાત કરી છે. જનરલ રાવત તામિલનાડુના વેલિંગ્ટન (નિલગીરી હિલ્સ) ખાતે આવેલી ડીફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજની મુલાકાતે જઈ રહ્યા હતા. ત્યાં તેઓ સ્ટાફ કોર્સના ફેકલ્ટી અને વિદ્યાર્થી અધિકારીઓને સંબોધિત કરવાના હતા. પરંતુ ચાર ક્રૂ સભ્યો અને જનરલ રાવત તથા અન્ય 9 પ્રવાસીઓ સાથેનું ભારતીય હવાઈ દળનું હેલિકોપ્ટર Mi-17V5 બપોરે 12 વાગ્યાની આસપાસ કુન્નૂર નજીક દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. કમનસીબ દુર્ઘટનામાં જનરલ રાવતના પત્ની મધુલિકા રાવતનું પણ મૃત્યુ નિપજ્યું છે.

હેલિકોપ્ટર તામિલનાડુમાં કુન્નૂર નજીક તૂટી પડ્યું હતું. એ વખતે ગાઢ ધૂમ્મસ છવાયેલું હતું. ભારતીય હવાઈ દળે આ દુર્ઘટનામાં તપાસનો આદેશ આપ્યો છે. Mi-17VH હેલિકોપ્ટરે નજીકના કોઈમ્બતુરમાં આવેલા સુલુર ભારતીય હવાઈ દળ મથકેથી ઉડાણ ભરી હતી. ટીવી પરના દ્રશ્યોમાં હેલિકોપ્ટર આગની જ્વાળાઓમાં અને અત્યંત નુકસાનગ્રસ્ત હાલતમાં જોવા મળ્યું હતું. સ્વાભાવિક રીતે જ દુર્ઘટનાગ્રસ્ત થયા બાદની હેલિકોપ્ટરની હાલત હતી. હેલિકોપ્ટર માનવ વસ્તીથી થોડેક દૂરના ગીચ ઝાડી-ઝાંખરાના સ્થળે તૂટી પડતાં મોટી જાનહાનિ થતા રહી ગઈ.