પ્રદ્યુમ્ન હત્યાકાંડમાં નવો વળાંક, 4 પોલીસ કર્મચારીની પૂછપરછ કરશે CBI

ગુરુગ્રામ- રેયાન ઈન્ટરનેશનલ સ્કૂલમાં ગત 8 સપ્ટેમ્બરે થયેલી પ્રદ્યુમ્નની હત્યા મામલે ધોરણ 11ના વિદ્યાર્થીની અટકાયત કરાયા બાદ હવે CBIની ટીમ ગુરુગ્રામના જ 4 પોલીસ કર્મચારીઓની ભૂમિકાને શંકાની નજરથી જોઈ રહી છે. આ પોલીસ કર્મચારીઓ પર આરોપ છે કે, તેણે પ્રદ્યુમ્નની હત્યાની ઘટનામાં સ્કૂલબસના કંડક્ટરને ફસાવવા માટે ખોટા આરોપ અને પુરાવા રજૂ કર્યા હતા.

CBIના સૂત્રોએ જણાવ્યા અનુસાર તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, ગુરુગ્રામ પોલીસે પુરાવાઓને ખોટીરીતે રજૂ કર્યા હતા. જેના આધારે પોલિસે પ્રદ્યુમ્નની હત્યાના આરોપમાં સ્કુલબસના કંડક્ટરને આરોપી બનાવી રજૂ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, CBIએ આ ઘટનાને 8 સેકન્ડની CCTV ફૂટેજ પરથી કેસ ઉકેલવાનો દાવો કર્યો હતો. જેની તપાસ દરમિયાન ગુરુગ્રામ પોલિસથી મોટી ચૂક થઈ હોવાનું સામે આવ્યું છે. સૂત્રોનું માનીએ તો આ CCTV ફૂટેજમાં આરોપી વિદ્યાર્થી પ્રદ્યુમ્નને પોતાની પાસે બોલાવતો નજરે પડે છે. આપને જણાવી દઈએ કે, CBIએ તેની તપાસમાં ધોરણ 11ના વિદ્યાર્થીને પ્રદ્યુમ્નની હત્યાનો મુખ્ય આરોપી ગણાવ્યો છે.