ઓડ ઈવન સુનાવણી: કેજરીવાલ સરકારનો વકીલ ગેરહાજર, NGTએ લગાવી ફટકાર

નવી દિલ્હી- રાજધાની દિલ્હીના લોકો હજી પણ સ્મોગની અસરથી પરેશાન છે. સોમવારથી દિલ્હીની સ્કૂલોમાં શિક્ષણકાર્ય ફરીવાર શરુ કરવામાં આવ્યું છે. સ્મોગથી બચવા બાળકો માસ્ક પહેરીને સ્કૂલે જતા જોવા મળ્યા હતા. ધુમ્મસની અસર એટલી વ્યાપક છે કે, દિલ્હી આવતી અનેક ટ્રેન મોડી પડી છે અથવા તેને રદ કરવી પડી છે.

ઓડ ઈવનને લઈને NGTમાં સુનાવણી

NGTએ દિલ્હીમાં ઓડ ઈવન લાગુ કરવાની સશર્ત પરવાનગી આપ્યા બાદ કેજરીવાલ સરકારે ઓડ ઈવન લાગુ કરવાનો નિર્ણય મુલતવી રાખ્યો હતો અને આજે સોમવારે ફરીવાર NGTમાં સુનાવણી શરુ કરવામાં આવી હતી. જોકે આજની સુનાવણી દરમિયાન કેજરીવાલ સરકારનો વકીલ હાજર નહીં રહેતા NGTએ કેજરીવાલ સરકારને ફટકાર પણ લગાવી હતી કે, ‘શું આ બધું ફક્ત મીડિયાને બતાવવા કરવામાં આવી રહ્યું છે?’

આ અંગે સુપ્રીમ કોર્ટે એક યાદીમાં જણાવ્યું કે, પ્રદૂષણને નજરઅંદાજ કરી શકાય નહીં. વધુમાં કોર્ટે જણાવ્યું કે, નિયમિત મામલાઓની સુનાવણી બાદ આ કેસ પર સુનાવણી કરવામાં આવશે. આ પહેલાં શનિવારે યોજાયેલી સુનાવણી દરમિયાન NGTએ કેજરીવાલ સરકારને કહ્યું હતું કે, ઓડ ઈવનમાં ટુ-વ્હીલર, મહિલાઓ અથવા નેતાઓ કોઈને પણ રાહત આપવામાં આવશે નહીં. જો આ શર્તનું પાલન કરી શકાય તો જ ઓડ ઈવન લાગુ કરવામાં આવે. પરંતુ કેજરીવાલ સરકારે આ અંગે અસમર્થતા વ્યક્ત કરી અને ઓડ ઈવન લાગુ કરવાનું મુલતવી રાખ્યું હતું.

દિલ્હીમાં પ્રદૂષણે આ વર્ષમાં અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી દીધા છે. રવિવારે એર ક્વોલિટી ઈન્ડેક્સ 460 સુધી નોંધાયો હતો. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા મુજબ કેટલીય જગ્યાએ પ્રદૂષણનું સ્તર વધુ ખતરનાક જણાયું હતું. વિઝિબલિટી 100 મીટરથી પણ ઓછી રહી. આજે પણ દિલ્હીવાસીઓને પ્રદૂષણથી રાહત મળવાની કોઈ જ શક્યતા નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]