ભારત સહિત અનેક દેશોમાંથી કેનેડા જઈ અભ્યાસ કરવાનો યુવાનોમાં ક્રેઝ વધ્યો છે. વિદેશી વિદ્યાર્થીઓને લઈ કેનેડા સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. 15 નવેમ્બર 2022થી વિદેશી વિદ્યાર્થીને 20 કલાકથી વધુ નોકરી કરવાની છૂટ મળી હતી. જે નિર્ણય 15 નવેમ્બરથી 2022 થી 31 ડિસેમ્બર 2023 સુધી લાગૂ રહેવાનો હતો. જે બાદ વિદ્યાર્થીઓને રાહત આપતા કેનેડા સરકારે તે નિર્ણય લંબાવીને 30 એપ્રિલ સુધી કર્યો હતો. આ ઉપરાંત કેનેડા સરકારે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓની રાહત માટે કેનેડા સરકાર કામ કરી રહી છે.
જ્યારે હવે કેનેડા સરકારે નિર્ણય વધુ ન લંબાવવાની જાહેરાત કરતા જણાવ્યું કે હવેથી વિદેશી વિદ્યાર્થીઓ કેનેડામાં એક સપ્તાહમાં માત્ર 24 કલાક નોકરી કરી શકશે. કેનેડા ભારતીય વિદ્યાર્થીઓમાં વિદેશ અભ્યાસ માટે સૌથી મોખરે રહે છે. કેનેડિયન બ્યુરો ફોર ઇન્ટરનેશનલ એેજયુકેશન (CBIE)ના વર્ષ 2022ના રિપોર્ટ અનુસાર કેનેડામાં 3,19,130 ભારતીય વિદ્યાર્થીઓ હતાં.
નોકરીના કલાક ઘટવા પર કેનેડામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીએ ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા જણાવ્યું કે “નોકરીના કલાકો ઘટાવાથી તમામ વિદ્યાર્થીઓની મુશ્કેલમાં વધારો થયો છે.” જ્યારે વિદ્યાર્થીના હાલ સુધીના નોકરી કલાક પર પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું કે “હું હાલ સુધી સપ્તાહના 37 કલાક નોકરી કરતો હતો. આ નિર્ણય બાદ હવે 24 કલાક કામ કરવુ પડશે. જેની સીધી અસર મારા રોજિંદા ખર્ચ, લોન, અને યુનિવર્સિટીની ફી પર પડશે. તેમણે જણાવ્યું કે હાલ સુધીમાં 37 કલાકની નોકરીની આવકમાંથી 60% હિસ્સો રોજિંદા ખર્ચમાં જતો જે વધીને 80% થઈ જશે”.