નવી દિલ્હીઃ બજેટ રજૂ થવામાં હવે એક મહિનાથી પણ ઓછો સમય છે. સરકારના પ્રયાસ છે કે આ વચગાળાના બજેટમાં ચાર વર્ગો પર ખાસ ધ્યાન આપવામાં આવે. આ ચાર વર્ગોને સરકારે ચાર જાતિઓની ઉપમા આપી છે, એમાં ગરીબ. યુવા, ખેડૂત અને મહિલાઓ માટે ખાસ જાહેરાત થાય એવી શક્યતા છે. સરકારે આગામી બજેટ GYANની થીમ પર રાખવાનો નિર્ણય કર્યો છે. Gyanનો અર્થ G= ગરીબ, Y= યુવા, A=અન્નદાતા, N= નારી છે.
સરકાર બજેટમાં ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો વ્યાપ વધારે એવી શક્યતા છે. આ પગલાથી દેશના ખેડૂતોને લાભ થશે. મધ્ય પ્રદેશની લાડલી બહેનાની થીમ પર કેન્દ્ર સરકાર મહિલાઓ માટે નવી યોજના લાવે એવી શક્યતા છે. લોકસભા ચૂંટણી પહેલાં સરકાર જો મહિલાઓને ધ્યાનમાં રાખીને આ પગલું ભરશે તો એ મોટું ચૂંટણીલક્ષી પગલું હશે.
ખેડૂતો, મહિલાઓ સિવાય કેન્દ્ર સરકારનું ગરીબો પર ધ્યાન કેન્દ્રિત છે. જેથી સરકાર કલ્યાણકારી યોજનાનો વ્યાપ વધારવા તૈયાર છે. સરકારે જેતે યોજનાઓનો વ્યાપ વધારે એવી શક્યતા છે, જેની સીધી અસર ગરીબો પર થશે. ચોથી જાતિ તરીકે યુવાઓ માટે સરકાર કોઈ મોટો નિર્ણય કરે એવી સંભાવના છે. સરકાર નવી પેન્શન સ્કીમમાં રિટર્નની ગેરન્ટી જેવો પ્રસ્તાવ લાવે એવી શક્યતા છે. એ સાથે-સાથે સરકારનું ધ્યાન યુવાઓ માટે રોજગારીની તકો વધારવા પર છે. આમ સરકાર વચગાળાના બજેટમાં ચાર ખાસ જાતિઓ પર ફોકસ કરે એવી શક્યતા છે.