કોલકાતા – પશ્ચિમ બંગાળ રાજ્યના મુર્શીદાબાદ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા કાકમારીચર ખાતે આજે ભારતીય સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના જવાનો એક ફ્લેગ મીટિંગ કરી રહ્યા હતા ત્યારે એમની પર બોર્ડર ગાર્ડ્સ બાંગ્લાદેશ (બીજીબી)એ ગોળીબાર કરતાં બીએસએફના એક જવાન શહીદ થયા છે જ્યારે બીજા એક જણને ઈજા થઈ છે.
આ બનાવને પગલે સુરક્ષા દળોમાં અને ગુપ્તચર એજન્સીઓ એકદમ સતર્ક થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે બીએસએફ અને બીજીબી વચ્ચે દાયકાઓથી ક્યારેય સામસામો ગોળીબાર થયો નથી.
બીએસએફના જણાવ્યા મુજબ, બીજીબીના ગોળીબારમાં વિજયભાન સિંહ નામના હેડ કોન્સ્ટેબલનું મૃત્યુ નિપજ્યું છે. જવાનોની ટૂકડી ફ્લેગ મીટિંગ કર્યા બાદ પાછી ફરતી હતી ત્યારે બાઉન્ડરી પિલાર નંબર 75/7-S નજીક એમની પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. બીજીબી દ્વારા ધરપકડ કરાયેલા એક ભારતીય માછીમારને છોડાવવા મામલે ફ્લેગ મીટિંગ યોજવામાં આવી હતી.
બીએસએફ દ્વારા આ બનાવ અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને જાણ કરવામાં આવી છે.
બીએસએફના એક અધિકારીએ કહ્યું કે ત્રણ ભારતીય માછીમારો આજે સવારે સરહદીય વિસ્તારમાં આવેલી પદમા નદીમાં માછલી પકડવા ગયા હતા. બાદમાં બે માછીમાર પાછા ફર્યા હતા અને બીએસએફ ચોકી ખાતે જઈને એમને જાણ કરી હતી કે બીજીબીના જવાનોએ એમને પકડી લીધા હતા અને બાદમાં એમાંના બે જણને છોડી મૂક્યા હતા અને એમને કહ્યું હતું કે તેઓ બીએસએફના પોસ્ટ કમાન્ડરને કહે કે ફ્લેગ મીટિંગ કરે. ત્યારબાદ આશરે 10.30 વાગ્યે પોસ્ટ કમાન્ડર અને બીએસએફના પાંચ જવાન એક બોટમાં બેસીને પદમા નદીમાં બીજીબી પેટ્રોલ ટીમને મળવા ગયા હતા. બીજીબી પેટ્રોલ ટીમના જવાનોએ ત્રીજા ભારતીય માછીમારને છોડી દેવાને બદલે બીએસએફ ટીમના જવાનોને ઘેરી લેવાનો પ્રયાસ કર્યો હતો.
પરિસ્થિતિ બગડતી જણાતાં બીએસએફની ટૂકડી તરત જ પાછી ફરી હતી. પરંતુ પાછી ફરતી ટૂકડી પર બીજીબીના જવાનોએ ગોળીબાર કર્યો હતો. એમાં હેડ કોન્સ્ટેબલને માથામાં ગોળી વાગી હતી અને એમનું મૃત્યુ થયું હતું. ગોળીબારમાં એક કોન્સ્ટેબલને ઈજા પણ થઈ છે. એ કોન્સ્ટેબલ બોટ ચલાવતા હતા. એમને મુર્શિદાબાદ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.