નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર ચાલી રહ્યો છે. ભાજપ બહુમત એકત્ર કરવાનો દાવો કરી રહી છે તો એનસીપી-કોંગ્રેસ અને શિવસેના પોતાના નેતાઓને એકજુટ કરવામાં લાગી ગયા છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે રવિવારના રોજ ડેપ્યુટી સીએમ અજિત પવાર અને એનસીપી પ્રમુખ શરદ પવાર વચ્ચે ટ્વીટ વોર પણ જોવા મળ્યો. અજિત પવારે ટ્વીટ કરીને કહ્યું કે, હું એનસીપીનો નેતા છું અને હંમેશા એનસીપીમાં રહીશ અને શરદ પવાર સાહેબ અમારા નેતા છે. અમારું ભાજપ-એનસીપી ગઠબંધન આવતા પાંચ વર્ષ માટે મહારાષ્ટ્રમાં એક સ્થિર સરકાર પ્રદાન કરશે કે જે રાજ્ય અને તેના લોકોના કલ્યાણ માટે ઈમાનદારીથી કામ કરશે. ત્યારબાદ એનસીપી પ્રમુખ શરદ પવારનું રિએક્શન આવ્યું અને તેમણે ભત્રીજા અજિતના નિવેદનને ખોટું અને ભ્રમ ફેલાવનારું ગણાવી દીધું.
આ વચ્ચે કેન્દ્રીય પ્રધાન રામદાસ અઠવલેનું નિવેદન આવ્યું છે. રામદાસે ભરોસો વ્યક્ત કર્યો કે દેવેન્દ્ર ફડણવીસ સરકારને અનેક ધારાસભ્યોનું સમર્થન મળશે અને તેઓ બહુમત સાબિત કરી લેશે. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી અઠાવલેએ કહ્યું કે, અમને પૂરો ભરોસો છે કે અનેક ધારાસભ્યો અમારી સાથે આવશે. તેમણે કહ્યું કે કોઈપણ ધારાસભ્ય પર કોઈપણ પ્રકારનું દબાણ નથી. તેઓ પોતાની મરજીથી અમારી સાથે આવી શકે છે. તેમનું સ્વાગત કરવામાં આવશે. આવતી 30 નવેમ્બરના રોજ ફડણવીસ સરકાર બહુમત સાબિત કરી લેશે.
અઠાવલેએ કહ્યું કે, શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ સરકારના ગઠનને લઈને જલ્દી જ નિર્ણય લેવાવો જોઈતો હતો. મહારાષ્ટ્રમાં ખેડુતો પોતાની સમસ્યાઓથી ત્રસ્ત છે. તેઓ એક એવી સરકાર ઈચ્છે છે કે જે તેમની સમસ્યાઓને દૂર કરે અને સામાન્ય જનતાનું ભલુ કરે.