નવી દિલ્હી – વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટાઈમ્સ નાઉ ચેનલને આપેલી મુલાકાતમાં એવો દાવો કર્યો હતો કે એમની ભારતીય જનતા પાર્ટી આ વખતની લોકસભા ચૂંટણીમાં પણ સંપૂર્ણ બહુમતી સાથે વિજયી નિવડશે અને એને 2014ની ચૂંટણી કરતાં પણ વધારે સીટ મળશે.
ટાઈમ્સ નાઉના એડિટર ઈન ચીફ રાહુલ શિવશંકર અને મેનેજિંગ એડિટર નાવિકા કુમારને આપેલી મુલાકાતમાં મોદીએ કહ્યું કે અમારી સરકારે પાંચ વર્ષોમાં જે કામ કર્યું છે અને દેશહિતમાં જે પગલાં લીધા છે એના આધારે મને પૂરો વિશ્વાસ છે કે જનતા ફરીથી ભાજપ પર વિશ્વાસ મૂકશે. લોકોને અમારી નીતિઓ અને યોજનાઓ પર વિશ્વાસ છે.
ઈન્ટરવ્યૂમાં મોદીએ વધુમાં જણાવ્યું કે અમારી સહયોગી પાર્ટીઓને પણ આ વખતની ચૂંટણીમાં ગઈ વેળાની ચૂંટણીની સરખામણીએ વધારે બેઠક મળશે. જુદા જુદા રાજ્યોમાં અમારો વોટ શેર વધી જશે. દેશની જનતાએ નક્કી કર્યું છે કે સંપૂર્ણ બહુમતી સાથે જ મજબૂત સરકારને ચૂંટવી. જનતાએ નક્કી કર્યું છે કે ફરી ભાજપની સરકારને જ ચૂંટવી.
‘તમે ભ્રષ્ટાચાર સામે લડાઈની વાતો કરો છો, પણ દેશની જનતા જ સવાલ કરે છે કે વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોક્સી દેશ છોડીને જતા રહ્યા છે અને એમની વિરુદ્ધમાં પોસ્ટ-ફેક એક્શન લેવામાં આવી રહ્યું છે અને એવી ચર્ચા થાય છે કે એ લોકો ભાગ્યા કેવી રીતે?’ આ સવાલના જવાબમાં મોદીએ કહ્યું કે, એ લોકો ભાગી ગયા કારણ કે એમને ખબર હતી કે અમારા જેવી સરકાર સત્તા પર આવી ગઈ છે એટલે એમના જેવા લોકો માટે આ દેશમાં રહેવાનું, કાગળીયા પર બેન્કો પાસેથી લોન લેવાનું અને પછી બેન્કોમાં એ પૈસા જમા કરાવવાનું, પોતાની એ રમત ચાલુ રાખવાનું અને મજા કરવાનું… આ બધું મોદી રાજમાં બંધ થશે.
એક સવાલના જવાબમાં મોદીએ કહ્યું કે ભાજપ ઉદ્ધત વલણ ધરાવતી નથી.
રફાલ જેટ વિમાન સોદાને લગતા વિવાદ વિશે પૂછતાં મોદીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી માટે સંરક્ષણ સોદાઓ એટીએમ મશીન જેવા રહ્યા છે.