મુદ્રા લોને વધારી સરકારની મુશ્કેલી, NPA 11 હજાર કરોડને પાર

નવી દિલ્હી- દેશમાં નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં માટે શરુ કરેલી પ્રધાનમંત્રી મુદ્રા યોજના હાલ સરકારની મુશ્કેલીમાં વધારો કરી રહી છે. નાણાં મત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર મુદ્રા યોજના હેઠળ એનપીએ (નોન પર્ફોમીંગ એસેટ્સ) તેની નિર્ધારિત સીમાને પાર કરી ગઈ છે. બીજી તરફ જાહેર ક્ષેત્રની કેટલાક એવી બેંકો છે જે આરબીઆઈની લિમિટનું ઉલ્લંઘન કરી રહી છે. આરબીઆઈએ મુદ્રા યોજના હેઠળ એનપીએનો મામલે નાણાં મંત્રાલયને પત્ર પણ લખ્યો હતો.

સુત્રોના જણાવ્યા અનુસાર મુદ્રા યોજના હેઠળ સરેરાશ એનપીએ અંદાજે 5 ટકા છે, જે બાસેલના નિયમથી ઓછી છે. મીડિયા રિપોર્ટ અનુસાર જાન્યુઆરી સુધીમાં મુદ્રા લોન હેઠળ એનપીએનું સ્તર 11 હજાર કરોડ રૂપિયાથી વધુ થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ગત વર્ષે એનપીએ પર સંસદિય સમિતિને મુદ્રા લોન અને કિસાન ક્રેડિટ કાર્ડને લઈને ચેતવણી આપી હતી.

રાજનનું કહેવુ હતું કે, લોન ફાળવણીના ટાર્ગેટને યોગ્ય પ્રક્રિયા વગર પૂર્ણ કરવામાં આવી રહ્યાં છે. જેથી ભવિષ્યમાં એનપીએ વધવાની આશંકા છે. તેમણે મુદ્રા લોન અને કિસાન ક્રેડિટ કાર્ડનો ઉંડાણ પૂર્વક અભ્યાસ કરવાની પણ વાત કરી હતી.

સરકારના પ્રાથમિક આંકડાઓ અનુસાર નાણાંકિય વર્ષ 2019માં 22 માર્ચ સુધી મુદ્રા યોજના હેઠળ કુલ 2.73 કરોડ રૂપિયાની લોન ફાળવવામાં આવી છે. જ્યારે નાણાંકીય વર્ષ 2018 અને નાણાંકીય વર્ષ 2019માં સરકારે ક્રમશ: 1.75 કરોડ અને 1.32 કરોડની લોન આપી છે.

કેન્દ્ર સરકારીની આ ફ્લેગશિપ યોજના પ્રધાનમંત્રી મુદ્રા યોજનાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2015માં શરુ કરી હતી. આ યોજનાનો ઉદેશ્ય નાના ઉદ્યોગોને 10 લાખ રૂપિયા સુધીની લોન આપીને તેમની મદદ કરવાનો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]