જયપુર- રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ 131 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. જેમાં 12 મહિલા અને 32 યુવા ઉમેદવારોને સામેલ કરાયા છે. આ ઉપરાંત પાર્ટીએ 17 SC અને 19 ST ઉમેદવારોને પણ મેદાનમાં ઉતાર્યા છે.પાર્ટીએ જાહેર કરેલી 131 ઉમેદવારોની પ્રથમ યાદીમાં 85 વર્તમાન ધારાસભ્યોનો સમાવેશ કરવામાં સામેલ છે. અને 25 નવા ઉમેદવારો ઉપર પણ પાર્ટીએ ભરોસો મૂક્યો છે. વર્ષ 2013ની ચૂંટણીમાં ભાજપે 163 બેઠક જીતી ઈતિહાસ રચ્યો હતો. નામાંકન પત્ર ભરવાની પ્રક્રિયા આજથી શરુ થઈ ગઈ છે.
રાજસ્થાનમાં વિધાનસભાની કુલ 200 બેઠક છે. જેમાં 142 બેઠક સામાન્ય, 33 બેઠક અનુસૂચિત જાતિ અને 25 બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. રાજસ્થાન ચૂંટણી માટે નામાંકનની છેલ્લી તારીખ 19 નવેમ્બર છે. નામ પરત ખેંચવાની તારીખ 22 નવેમ્બર છે. રાજ્યમાં 7 ડિસેમ્બરે મતદાન હાથ ધરાશે. અને 11 ડિસેમ્બરે મત ગણતરી કરવામાં આવશે.
પાર્ટીએ જૂના ચહેરાઓ પર વિશ્વાસ યથાવત રાખ્યો છે. એવું કહેવાતું હતું કે, ભાજપ એન્ટી ઈનકમ્બેન્સીને ખતમ કરવા મોટી સંખ્યામાં ટિકિટો કાપી શકે છે. પરંતુ જાહેર થયેલી પ્રથમ યાદીમાં એવું કંઈ જણાઈ રહ્યું નથી. માત્ર બે પ્રધાનો સહિત 23 ધારાસભ્યોની જ ટિકિટ કપાઈ છે.