નવી દિલ્હી: પોતાના વિવાદિત નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહેતી ભોપાલથી ભાજપ સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરે ફરી એક વખત મોટું નિવેદન આપ્યું છે. તેમણે નવરાત્રિ દરમ્યાન લાઉડસ્પીકર અને ડીજે મોડી રાત સુધી ચાલુ રાખવાને લઈને કહ્યું કે, તમામ નિયમો અને કાયદાઓ શું માત્ર હિન્દુઓ માટે જ છે. અમે આ નિયમને નહીં માન્યે. આ નવરાત્રિ પર અમે લાઉડસ્પીકર-ડીજે વગાડીશું. કોઈ ગાઈડલાઈન નથી. લાઉડસ્પીકર મામલે કોર્ટના નિર્ણય પર પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે, અમને કોર્ટનો આ નિર્ણય મંજૂર નથી.
મહત્વનું છે કે, સાધ્વી પ્રજ્ઞા ઠાકુર અવારનવાર વિવાદિત નિવેદનો આપતી રહે છે. આ પહેલા સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું હતું કે, બાબરી મસ્જિદ તોડીપાડવા પર મને ગર્વ છે. અમારા પ્રભુ રામજીના મંદિર પર અપશિષ્ટ પદાર્થ હતા તેમને હટાવી દેવામાં આવ્યાં.
હકીકતમાં સાધ્વી પ્રજ્ઞાએ શનિવારે ભોપાલમાં એક કેમ્પેઈન દરમ્યાન એક ટીવી ચેનલ પર બાબરી મસ્જિદને લઈને ટિપ્પણી કરી છે, જેથી ફરી એક વખત બાબરી મસ્જિદ વિધ્વંસની ઘટના રાજકીય ગલિયારોમાં તાજા થઈ ગઈ. ટીવી ચેનલના માધ્યમથી સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું કે, રામ મંદિર નિશ્ચિત રૂપથી બનાવવામાં આવશે. આ એક ભવ્ય મંદિર હશે. સાધ્વી પ્રજ્ઞાને બાબરી મસ્જિદમાં પોતાની મહત્વની ભૂમિકા પર પણ પ્રકાશ પાડતા કહ્યું કે, મેં બાબરી મસ્જિદના ઢાંચા પર ચડીને તોડયો હતો. મને ગર્વ છે કે, ઈશ્વરે મને તક આપી અને શક્તિ આપી જેથી મેં આ કામ કર્યું. હવે એ જ સ્થળ પર રામમંદિર બનાવશું.
સાધ્વીના આ નિવેદનના થોડા કલાકોની અંદરમાં જ ચૂંટણી પંચે તેમને નોટિસ પાઠવી હતી. નોટિસ પહેલા તમામ રાજકીય પાર્ટીઓ માટે એક એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે, એક-બીજા પ્રત્યે જે અઢળક ફરિયાદો મળી રહી છે તેના પરથી સ્પષ્ટ સંકેત મળે છે કે, નેતા ભડકાઉ અને વિવાદિત નિવેદનો આપી રહ્યા છે, જેથી સમાજમાં નફરત અને અસંગતિ ફેલાઈ શકે છે.
આ પહેલા પણ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે 26/11 મુંબઈ હુમલાને લઈને મુંબઈના તત્કાલિન એટીએસ ચીફ હેમંત કરકરે પર આપત્તિજનક ટિપ્પણી કરી હતી.