અમરોહા: ભાજપના એક નેતા લોકોની વચ્ચે જઈને તેમને નાગરિકતા કાયદો અને એનઆરસીના ફાયદા બતાવી રહ્યા હતા એ દરમ્યાન તેમને એક ખરાબ અનુભવ થયો. લોકોની વચ્ચે ગયેલા નેતાને સ્થાનિક લોકોએ માર માર્યો જેથી ભાજપના નેતાને ત્યાંથી જીવ બચાવવા ભાગવાની નોબત આવી. રિપોર્ટ અનુસાર, પાર્ટીની જિલ્લા અલ્પસંખ્યક શાખાના મહાસચિવ મુર્તઝા આગા કાઝમીને શુક્રવારે અમરોહાના લકડા વિસ્તારમાં સ્થાનિક લોકોએ ઘેરી લીધા અને માર માર્યો.
ભાજપની અલ્પસંખ્યક શાખા લોકોને સીએએ અને એનઆરસી અંગે માહિતગાર કરવા અને આ કાયદાઓ મુસલમાનો વિરોધી નથી એ સમજ આપવા માટે અહીં એક કાર્યક્રમ કરવાનો પ્રયત્ન કરી રહી હતી.
કાઝમીએ પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે, હું શુક્રવારે અમરોહાના લકડા વિસ્તારમાં એક દુકાન પર ગયો અને મુસ્લિમ લોકોની વચ્ચે સીએએ અને એનઆરસીને લઈને જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. આ દરમ્યાન એક રાજા અલી નામના વ્યક્તિએ અચાનક મારા પર હુમલો કરી દીધો, તેમણે મારુ ગળું દબાવવાનો પ્રયત્ન કર્યો, અને હું ત્યાંથી મારો જીવ બચાવવા ભાગી ગયો. એ વ્યક્તિ વિરુદ્ધ તેમણે એફઆઈઆર નોંધાવી છે.
અમરોહા એસપી વિપિન તાડાએ કહ્યું કે, આ મામલે ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. ગત સપ્તાહે થયેલા પ્રદર્શનને ધ્યાનમાં રાખતા અમરોહા પોલીસને એલર્ટ પર રાખવામાં આવી છે.