કોલકાતાઃ બંગાળમાં થયેલી પેટાચૂંટણીમાં ત્રણેય બેઠક પર મળેલા ઝટકા બાદ ભાજપની અંદરથી જ ગણગણાટ શરુ થઈ ગયો છે. પક્ષના વરિષ્ઠ નેતા અને સુભાષચંદ્ર બોઝના ભત્રીજા પ્રપૌત્ર ચંદ્રા બોઝે પાર્ટી સીસ્ટમમાં સાફસફાઈનું સૂચન કરવા સાથે કહ્યું છે કે પ્રદેશ માટે ખાસ રણનીતિ બનાવવાની જરુરત છે નહીં કે રાષ્ટ્રીયસ્તરની રણનીતિઓ થોપવાની.
જોકે પક્ષના અન્ય કેટલાક નેતા ચંદાની બયાનબાજી સાથે સહમત નથી. રાજ્ય ભાજપના ઉપાધ્યક્ષ બોઝે શુક્રવારે ટ્વીટ્સ કરીને પોતાનો મત રજૂ કર્યો હતો. જેમાં તેમણે એવો પણ ઇશારો કર્યો છે કે એનઆરસી જેવા ઘ્રુવીકરણવાળા મુદ્દા ભલે અન્ય રાજ્યમાં પ્રભાવી ચૂંટણી રણનીતિ સાબિત થાય પણ બંગાળમાં કામ નહીં કરે.
તેમણે ટ્વીટમાં એમપણ કહ્યું છે કે પેન ઇન્ડિયા સ્ટ્રેટજી સ્વામી વિવેકાનંદ અને નેતાજી સુભાષચંદ્ર બોઝની ધરતી પર લાગુ નહીં થાય. બોઝે ભાજપને આત્મનિરીક્ષણ કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે રાજનીતિક દળોએ બંગાળની જનતા માટે કામ કરવું જોઇએ અને રાજનીતિક જીત માટે એક વોટબેંકની જેમ સમજવી ન જોઇએ. અન્ય જગ્યાએ ઉપયોગી નીવડેલી રણનીતિઓ બંગાળના લોકો પર કામ નહીં કરે કારણ કે તેઓ રાજનીતિક દ્રષ્ટિએ બેહદ સજાગ અને ચતુર છે. તેમની આ ટીપ્પણીઓને લોકો એનઆરસી સાથે જોડીને નિહાણી રહ્યાં છે. ભાજપે બંગાળમાં એનઆરસીને મુખ્ય ચૂંટણી મુદ્દો બનાવવો જોઇતો ન હતો તેમ માનવામાં આવી રહ્યું છે.
અંગ્રેજી અખબાર ટેલિગ્રાફે ભાજપના અંદરના સૂત્રોના હવાલે દાવો કર્યો છે કે પક્ષના કેટલાક નેતા બોઝના બયાન સાથે સહમત છે. તેમનું કહેવું છે કે સીએમ મમતા બેનર્જી અને તૃણમૂલ એનઆરસીને લઇને મતદારોમાં ડર પેદા કરવામાં સફળ રહી અને ભાજપ નાગરિકતા સંશોધન વિધેયકના ફાયદા લોકોને સમજાવવામાં નાકામ રહ્યો.
બોઝના ટ્વીટ્સ પર પ્રતિક્રિયા વ્યક્ત કરતાં ભાજપના રાષ્ટ્રીય સચીવ રાહુલ સિન્હાએ કહ્યું પાર્ટી બધાંના સૂચનોનું સ્વાગત કરે છે પરંતુ પાર્ટી પદાધિકારીના રુપમાં તેમણે પોતાના સૂચનો ટ્વીટ કરીને લોકોનું ધ્યાન ખેંચવાને બદલે યોગ્ય મંચ પર રાખવા જોઇતા હતાં. તો કેટલાક અન્ય નેતાઓએ કહ્યું કે ચૂંટણી પછી હવે આવી વાતો કહેવાનો શો ફાયદો છે. ભાજપના પ્રદેશ નેતાઓ દ્વારા આ મુદ્દે આજે બેઠક કરીને પરિણામોની સમીક્ષા કરવામાં આવશે.