169 મત સાથે ઉદ્ધવ સરકારે જીત્યો વિશ્વાસ મત, ભાજપનું વોકઆઉટ

મુંબઈ: મહારાષ્ટ્રમાં ચાલી રેહલા સત્તાના રમખાણ વચ્ચે આજે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવામાં આવ્યું છે. જેમાં ફ્લોર ટેસ્ટની અગ્નિપરિક્ષા પણ ઉદ્ધવ ઠાકરેની સરકારે પાસ કરી લીધી છે. હેડકાઉન્ટ દ્વારા વોટિંગ કરવામાં આવ્યું હતું જેમાં 169 સભ્યોએ સરકારના પક્ષમાં મત આપીને વિશ્વાસમત પસાર કરી દીધો હતો. વિરોધમાં એકેય મત ન પડ્યા કારણકે ભાજપે વોકઆઉટ કર્યું હતું.

ઉદ્ધવ ઠાકરેના પક્ષમાં 169 મત પડ્યા હતા. જેમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસના મત હતા. તો મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના 4 મતો તટસ્થ રહ્યા હતા. ફ્લોર ટેસ્ટની શરૂઆત પહેલા જોરદાર હંગામા સાથે ભાજપે વોકઆઊટ કર્યું હતું. ફ્લોર ટેસ્ટની અગ્નિપરિક્ષાની સાથે જ શિવસેના-એનસીપી અને કોંગ્રેસની સરકાર બની ગઈ છે. બહુમતના આંકડાને પાર કરવા માટે 149ના જાદુઈ આંકડાને સ્પર્શવાનો હતો જેની સામે ઉદ્ધવની સરકારે 169ના મેજીકલ ફિગર સુધી પહોંચી ગઈ હતી.

ચાર ધારાસભ્ય તટસ્થ રહ્યા હતા જેમાં રાજ ઠાકરેની મનસેના ધારાસભ્ય પણ સામેલ છે. તે સિવાય સીપીઆઇ(એમ)ના ધારાસભ્ય પણ તટસ્થ રહ્યા હતા. શુક્રવારે એનસીપીના સીનિયર ધારાસભ્ય દિલીપ વાલસે પાટિલની વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ પ્રસંગે ભાજપ તરફથી નારા લગાવવામાં આવ્યા હતા અને વિશ્વાસમત સમયે તેમણે વોકઆઉટ કર્યું હતું. ભાજપ તરફથી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે આ પ્રક્રિયા બંધારણના નિયમો પ્રમાણે થઇ નથી કારણ કે ક્યારેય પ્રોટેમ સ્પીકર દ્વારા વિશ્વાસમત કરાવવામાં આવતો નથી.

શું કહ્યું ફડણવીસે ?

બીજેપીના ધારાસભ્યોએ પ્રોટેમ સ્પીકરે કહ્યું હોવા છતાં સદનમાં હોબાળો કર્યો હતો અને સવાલો ઉભા કર્યા હતા. આ સાથે ફડણવીસે કહ્યું કે, મને સંવિધાન પર વાત કરવાનો અધિકાર છે. અને જો એવું ન હોય તો મારે અહીં બેસવાની કોઈ જરૂર નથી. જે રીતે શપથ લેવામાં આવી છે તે પ્રિસ્ક્રાઈબ્ડ નથી. જે શપથ લેવામાં આવી તે સંવિધાનની રીતે લેવામાં આવી. એમાં એવા કેટલાય નામો લેવામાં આવ્યા જે રાજ્યપાલ દ્વારા લેવામાં આવેલી શપથમાં નહોતા.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના અત્યાર સુધીના ઈતિહાસમાં કોઈ પણ ફ્લોર ટેસ્ટ ફેલ થયો નથી. થોડા દિવસ પહેલાં થયેલા રાજકીય ઘટનાક્રમમાં દેવેન્દ્ર ફડણવીસ ફ્લોર ટેસ્ટમાં હારે તેવી શક્યતા ઉભી થઈ હતી પરંતુ તેમણે ફ્લોર ટેસ્ટમાં જતા પહેલાં જ હાર સ્વીકારી લીધી હતી અને પોતાનું રાજીનામું આપી દીધું હતું. ફડણવીસે સરકાર બનાવી લીધા પછી શિવસેનાએ રાજ્યપાલના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં ઝડપથી બહુમતી સિદ્ધ કરવાના નિર્ણય પછી દેવેન્દ્ર ફડણવીસે શપથના 80 કલાકમાં રાજીનામુ આપ્યું છે. ફડણવીસના રાજીનામા પછી છત્રપતી શિવાજી સ્ટેડિયમમાં 28 નવેમ્બરે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.