કોરોનાએ ખોવાયેલો પુત્ર પાછો અપાવ્યો

છપરાઃ કોરોના વાયરસનું સંક્રમણ આખા દેશમાં સતત વધી રહ્યું છે. અત્યાર સુધીમાં અનેક લોકોના જીવ આ ખતરનાક વાયરસના કારણે ગયા છે. આ વચ્ચે કોરોનાના કારણે કેટલાય વર્ષ પહેલા ગૂમ થયેલા એક વ્યક્તિને પોતાના પરિવાર સાથે મળવાની તક મળી ગઈ છે.

આ મામલો સાંભળવામાં થોડો અલગ લાગે પરંતુ આ પૂર્ણતઃ હકીકત છે. કોરોના સંકટના કારણે જ એક યુવક પોતાના પરિવારને 7 વર્ષ બાદ મળ્યો. આ મામલો છપરાના ભેલ્દીના પેગા મિત્રસેન ગામનો છે.

આ ગામના રહેવાસી બાબૂલાલ દાસનો પુત્ર અજય કુમાર ઉર્ફે વિવેક દાસ સાત વર્ષ પહેલા અચાનક જ ગુમ થઈ ગયો હતો. પરિજનોએ અજયની ખૂબ શોધ કરી પરંતુ કોઈ માહિતી ન મળી. જ્યારે બે-ત્રણ વર્ષ બાદ અજય ઘરે ન આવ્યો તો પરિજનોએ માની લીધું કે હવે અજય આ દુનિયામાં નથી. પછી તેમણે અજયની શોધખોળ બંધ કરી દીધી, પરંતુ માતા-પિતાને આશા હતી કે મારો દિકરો ચોક્કસ પાછો આવશે.

ઉત્તરપ્રદેશ પોલીસ એક યુવકને લઈને ભેલ્દી પોલીસ સ્ટેશન પહોંચી અને તેને અજય કુમાર ઉર્ફે વિવેક દાસ બતાવીને તેના મામલે પૂછપરછ શરુ કરી. ભેલ્દીના પીઆઈ વિકાસકુમાર દ્વારા મળેલી જાણકારીના આધારે યૂપી પોલીસ અજયને લઈને પેગા મિત્રસેન પહોંચી. સવાર સવારમાં પોલીસને જોતા જ ગામમાં હડકંપ મચી ગયો જો કે બાબૂલાલ દાસના પરિવારને જાણે જીવન જ મળી ગયું. યૂપી પોલીસે જણાવ્યું કે, ઘરેથી ગાયબ થયા બાદ અજય યૂપીના બારાબંકી ચાલ્યો ગયો હતો અને ત્યાં એક કેસમાં જેલની સજા કાપી રહ્યો હતો. કોરોનાના વધતા સંક્રમણને જોતા કોર્ટે કેટલાક કેદીઓને પેરોલ પર મુક્ત કરવાનો આદેશ આપ્યો કે જેમાં અજય કુમારનું નામ પણ જોડાયેલું હતું.