નવી દિલ્હી: સતત ભારે વરસાદને પગલે બિહારમાં પૂરની સ્થિતિ સામે ઝઝૂમી રહ્યું છે. એવામાં સ્થિતિ પર કાબૂ મેળવવાની જગ્યાએ મુખ્યપ્રધાન નીતિશ કુમાર અને તેમના મંત્રીઓ સતત એવા નિવેદનો આપી રહ્યા છે જેના પર વિવાદ થઈ શકે છે. હવે નીતિશ કુમારના જ કૃષિ મંત્રી પ્રેમ કુમારે પૂરની સ્થિતિ માટે કોંગ્રેસ-આરજેડીની પાર્ટીને જવાબદાર ગણાવી છે. મહત્વનું છે કે, આ પહેલા નીતિશ કુમારે પોતે પૂરનું ઠીકરુ ખરાબ મોસમ પર ફોડ્યું હતું. તો આ તરફ પીએમ મોદીના મંત્રી અશ્વિનિ ચૌબેએ હાથિયા નક્ષત્રનો પ્રકોપ ગણાવ્યો હતો.
બિહારના કૃષિ મંત્રી પ્રેમ કુમારે કહ્યું કે, આઝાદી પછીથી કોંગ્રેસ-આરજેડીએ બિહારમાં સત્તા ભોગવી, આના કારણે જ બિહારમાં આજે આવી હાલત છે. આના માટે સંપૂર્ણ રીતે વિપક્ષ જ જવાબદાર છે.
બિહારમાં પૂરની સ્થિતિને લઈને પૂછવામાં આવેલા સવાલ પર જેડીયુના પ્રધાન મહાસચિવ કેસી ત્યાગી પણ ભડકી ઉઠ્યા છે. કેસી ત્યાગીએ કહ્યું કે, અમેરિકામાં પૂર માટે કોણ જવાબદાર છે? મીડલ ઈસ્ટમાં પૂર માટે કોણ જવાબદાર છે? મુંબઈ મહાનગર પાલિકાનું બજેટ 70 હજાર કરોડ છે, તેમ છતાં પણ ત્યાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જો પૂરની સ્થિતિને મુદ્દો બનાવીને મુખ્યપ્રધાન નીતિશ કુમારને અસફળ કહેવામાં આવી રહ્યા છે તો, તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓએ રાજીનામાં આપી દેવા જોઈએ.
મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં કેન્દ્રીય મંત્રી રહેલા ગિરિરાજ સિંહ પૂરની સ્થિતિને લઈને એનડીએ પર નિશાન સાધ્યુ હતું. કેસી ત્યાગીએ ગિરિરાજ સિંહને પણ આડે હાથ લીધા. તેમણે કહ્યું અમારી સહયોગી પાર્ટીના કેટલાક લોકો એવા છે જે વિપક્ષની ભાષા બોલી રહ્યા છે. હું તેમને કહેવા માગીશ કે, જળવાયુ પરિવર્તન પર ચર્ચા કરવાની જરૂર છે, કારણ કે, પટનામાં છેલ્લા 102 વર્ષ દરમ્યાન આટલો વરસાદ ક્યારેય નથી પડ્યો.
ઉલ્લેખનીય છે કે, જુલાઈમાં રાજ્યના 12-13 જિલ્લામાં પૂરની સ્થિતિ ઉદભવી હતી, જેના કારણે ગંગા નદીનું જળસ્તર વધી ગયું હતું. ત્યારબાદ હવે અચાનક પડેલા અતીભારે વરસાદથી રાજધાની પટનાના અનેક વિસ્તારો પાણીમાં પૂરની સ્થિતિ છે. અત્યાર સુધીમાં 42 લોકોના મોત થયા છે અને લાખો લોકો પ્રભાવિત થયા છે.