રેલવેમંત્રી પીયુષ ગોયલના ઘરે ચોરી, આરોપી નોકરે દસ્તાવેજો કર્યા લીક

નવી દિલ્હી: કેન્દ્રીય રેલવેમંત્રી પીયુષ ગોયલના ઘરે ચોરી થવાનો મામલો સામે આવ્યો છે. ચોરી કરનાર એક વ્યક્તિની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. ચોરી કરનાર વ્યક્તિ અન્ય કોઈ પણ પીયુષ ગોયલના મુંબઈ સ્થિત નિવાસસ્થાન પર કામ કરનાર એક નોકર જ હતો. કહેવામાં આવી રહ્યું છે કે, આ વ્યક્તિ પાસેથી ગોયલના ઘરેથી ચોરી કરેલા કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ મળી આવ્યા છે. હાલ આરોપીને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

શું છે સમગ્ર મામલો

ગામદેવી પોલીસે એક વ્યક્તિની રેલવે પ્રધાન પીયુષ ગોયલના ઘરેથી હાર્ડ ડિસ્ક અને અન્ય કિંમતી સામાન ચોરી કરવાના આરોપમાં ધરપકડ કરી છે. એક અધિકારીએ જણાવ્યું કે, ગોયલના મુંબઈ સ્થિત નેપિયન સી રોડ હાઉસમાં કામ કરતા વિષ્ણુ કુમારે કથિત રીતે કેટલીક અજ્ઞાત માહિતીની સાથે ઈ-મેઈલના માધ્યમથી ગોયલની હાર્ડ ડિસ્કમાંથી મહત્વપૂર્ણ જાણકારી ચોરી કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આરોપી પાસેથી મળી આવેલા ફોન પર રેલવે અને નાણા મંત્રાલય સાથે જોડાયેલા કેટલાક દસ્તાવેજો મળી આવ્યા છે. જેને જૂદા જૂદા ઈ-મેઈલ આઈડી પર મોકલવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર વિષ્ણુ કુમાર વિશ્વકર્મા 6 સપ્ટેમ્બરે કથિત રીતે હાર્ડ ડિસ્ક અને કિંમતી સામાન લઈને ભાગી ગયો હતો, જેમાં ચાંદીના વાસણો, એક પ્રાચીન ફૂલદાની, કપડા અને અન્ય સામાન સામેલ છે. પીયુષ ગોયલના પત્નીને 19 સપ્ટેમ્બરે ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થઈ ત્યારબાદ તેમણે ગોયલને જાણકારી આપી. ત્યારબાદ ગામદેવી પોલીસ સ્ટેશનમાં ચોરી અંગે પ્રથમ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો.

પોલીસે આરોપી પર આઈટી એક્ટ હેઠળ આઈપીસીની કલમ 381 અને 405 હેઠળ પ્રાથમિક ગુનો નોંધ્યો છે. પોલીસની એક ટીમ આરોપીના દિલ્હી સ્થિત ઘર પર પહોંચવામાં સફળ રહી હતી, જ્યાંથી તેમની મંગળવારે ધરપકડ કરવામાં આવી.