બંગાળ પેટાચૂંટણી: નંદીગ્રામ બાદ રેજીનગરમાં પણ મમતા બેનર્જીને આંચકો

કોલકાતાઃ મમતા બેનર્જીના જૂથના ઉમેદવાર સંચિતા પ્રધાન ડેએ નંદીગ્રામથી ઉમેદવારી પાછી ખેંચ્યા બાદ હવે તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર રબિયુલ આલમ ચૌધરીએ પણ રેજીનગર બેઠક પરથી ચૂંટણી મેદાનમાંથી હટી જવાનો નિર્ણય લીધો છે.શનિવારે સવારે પત્રકારો સાથે વાત કરતાં રેજીનગરથી મમતા સમર્થક ઉમેદવાર રબિયુલ આલમ ચૌધરીએ કહ્યું હતું કે ઓછા સમયમાં મતદારોને નવા ચૂંટણી ચિહ્નથી પરિચિત કરાવવું મુશ્કેલ છે. પાર્ટીના કાર્યકરો સાથે ચર્ચા કર્યા બાદ મેં મારું ઉમેદવારીપત્ર પાછું ખેંચવાનો નિર્ણય લીધો છે. મેં મારા નેતાને પણ આ અંગે જાણ કરી છે. કાર્યકરોને પ્રચાર માટે મોકલવામાં આવી રહ્યા નથી. ચૂંટણી ચિહ્ન એક મોટો મુદ્દો છે.

સંચિતા પ્રધાન ડેએ ઉમેદવારી પાછી ખેંચી હતી

નોંધનીય છે કે સંચિતા પ્રધાન ડેએ મુખ્ય મંત્રી શુભેન્દુ અધિકારી સાથે મુલાકાત કર્યા બાદ નંદીગ્રામ બેઠક પરથી પોતાનું ઉમેદવારીપત્ર પાછું ખેંચવાની જાહેરાત કરી હતી. માત્ર ૨૪ કલાકની અંદર મમતા બેનર્જીના જૂથને વધુ એક આંચકો લાગ્યો છે. સંચિતા પ્રધાને નંદીગ્રામથી ઉમેદવારી પાછી ખેંચ્યા બાદ મમતા બેનર્જીએ કોંગ્રેસના ઉમેદવાર મિલન પ્રધાનને સમર્થન આપ્યું હતું. જોકે ત્યાર બાદ તરત જ મિલન પ્રધાનની ૨૦૦૭ના એક કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. કોંગ્રેસે આ ધરપકડને રાજકીય બદલો ગણાવ્યો છે, પરંતુ આ ઘટનાને લઈને રાજ્યના રાજકારણમાં તીવ્ર ચર્ચા શરૂ થઈ છે.

રાહુલ ગાંધીએ ધરપકડને રાજકીય રીતે પ્રેરિત ગણાવી

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ દાવો કર્યો કે આ ધરપકડ કોઈ સંયોગ નથી, પરંતુ રાજકીય રીતે પ્રેરિત છે. તેમણે ભાજપ પર મત ચોરી કરવાનો તેમ જ સરકારો અને પાર્ટીઓ છીનવીને સત્તા પર કાબૂ જાળવી રાખવાનો આરોપ લગાવ્યો અને કહ્યું હતું કે તેનો હેતુ ચૂંટણીની લડાઈને ખતમ કરવાનો છે.