પાલક પનીર પરાઠા

પાલકવાળા ગ્રીન પરાઠા જોતાં જ ખાવાનું મન થાય, જેમાં પનીરનું પૂરણ તેને વધુ હેલ્ધી બનાવે!

સામગ્રીઃ પાલકના ધોયેલાં પાન 1½ કપ, આદુનો ટુકડો 1 ઈંચ, લીલા મરચાં 2-3, કાંદો 1, સ્વાદ મુજબ મીઠું, તેલ 1 ટે.સ્પૂન, જીરૂ ½ ટી.સ્પૂન, ઘઉંનો લોટ 1 કપ

પૂરણ માટેઃ પનીર 100 ગ્રામ, કાળા મરી પાઉડર ¼ ટી.સ્પૂન, હીંગ 2-3 ચપટી, ધાણાજીરૂ 1 ટી.સ્પૂન, જીરા પાઉડર ¼ ટી.સ્પૂન, ચાટ મસાલો ¼ ટી.સ્પૂન,  આમચૂર પાઉડર ¼ ટી.સ્પૂન, સફેદ તલ 1 ટી.સ્પૂન, ધોઈને સમારેલી કોથમીર ½ કપ, સ્વાદ મુજબ મીઠું,

રીતઃ પાલકના પાન, કાંદો, લીલા મરચાં, તેમજ આદુનો ટુકડો મિક્સીમાં બારીક પીસી લો.

એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ તતડાવીને પાલકની પેસ્ટ મેળવીને 2-3 મિનિટ સાંતળો. ત્યારબાદ તેમાં 1 કપ ઘઉંનો લોટમેળવીને ચમચા વડે ચારવતા રહો. 2-3 મિનિટ બાદ મિશ્રણ લોટ જેવું બંધાય જાય એટલે તેને એક થાળીમાં ઠંડું થવા માટે કાઢી લો.

એક બાઉલમાં પનીરને ક્રશ કરી લો. તેમાં કાળા મરી પાઉડર, સ્વાદ મુજબ મીઠું, હીંગ, ધાણા અને જીરૂ પાઉડર, ચાટ મસાલો, આમચૂર પાઉડર, સફેદ તલ, ધોઈને સમારેલી કોથમીર મેળવી દો.

પાલકના લોટમાંથી લૂવો લઈ તેને હાથમાં જ પૂરી જેવડો થાપી લો અને પનીરનું 1 ચમચી જેટલું મિશ્રણ તેમાં ભરીને લૂવો બંધ કરીને તેનું પરોઠું વણી લો. ગેસ પર તવો ગરમ કરીને આ પરોઠું શેકીને બંને બાજુએ ઘી લગાડી લો.

આ જ રીતે બાકીના પરાઠા પણ તૈયાર કરી લો. તૈયાર પરાઠા દહીં સાથે પીરસો.