વર્લ્ડ કપ-2019નું પહેલું મોટું અપસેટ પરિણામઃ બાાંગ્લાદેશે દક્ષિણ આફ્રિકાને 21 રનથી હરાવ્યું

લંડન – અહીંના ઓવલ મેદાન ખાતે આજે રમાઈ ગયેલી આઈસીસી વર્લ્ડ કપ-2019ની મેચમાં બાંગ્લાદેશની ઉત્સાહી ટીમે બળૂકી દક્ષિણ આફ્રિકા ટીમને 21 રનના માર્જિનથી હરાવીને સ્પર્ધામાં પહેલો મોટો આંચકો સર્જ્યો છે.

દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ફાફ ડુ પ્લેસીએ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ લીધા બાદ બાંગ્લાદેશે તેના હિસ્સાની 50 ઓવરમાં 6 વિકેટના ભોગે 330 રનનો વિશાળ જુમલો ખડો કર્યો હતો.

શકીબ અલ હસનઃ પ્લેયર ઓફ ધ મેચ

દક્ષિણ આફ્રિકાની ટીમ તેના જવાબમાં 50 ઓવરમાં 8 વિકેટે 309 રન કરી શકી હતી.

સ્પર્ધામાં દક્ષિણ આફ્રિકાનો આ સતત બીજો પરાજય છે. સ્પર્ધાની પ્રારંભિક મેચમાં એનો ઈંગ્લેન્ડ સામે પરાજય થયો હતો.

બાંગ્લાદેશના આજના વિજયનો મુખ્ય શ્રેય જાય છે તેના અનુભવી ઓલરાઉન્ડર શકીબ અલ હસનને, જેણે બેટિંગમાં 75 રન કર્યા બાદ બોલિંગમાં 10 ઓવરમાં 50 રન આપીને ઓપનર એઈડન મારક્રામ (45)ની વિકેટ ઝડપી હતી અને ફિલ્ડિંગમાં એક કેચ પણ પકડ્યો હતો – એડીલ ફેલુક્વેયો (8)નો. શકીબને પ્લેયલ ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો.

વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં, બાંગ્લાદેશનો આ સૌથી મોટો જુમલો બન્યો છે. તેના દાવમાં શકીબ (84 બોલમાં 8 ચોગ્ગા, એક છગ્ગા સાથે 75) અને વિકેટકીપર મુશ્ફીકુર રહીમ (80 બોલમાં 8 ચોગ્ગા સાથે 78 રન) વચ્ચે ત્રીજી વિકેટ માટે થયેલી 142 રનની ભાગીદારીએ ટીમના વિશાળ જુમલાનો પાયો નાખ્યો હતો. તમીમ ઈકબાલ (16) અને સૌમ્યા સરકાર (42)ની ઓપનિંગ જોડીએ 60 રનની ભાગીદારી કરી હતી.

મેહમુદુલ્લા 33 બોલમાં 46 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

દક્ષિણ આફ્રિકાના દાવમાં બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તફીઝુર રેહમાને 10 ઓવરમાં 67 રનમાં 3 વિકેટ લઈને ટીમનો બેસ્ટ બોલર રહ્યો હતો. અન્ય મધ્યમ ઝડપી બોલર મોહમ્મદ સૈફુદ્દીને બે વિકેટ લીધી હતી.

લંડનના ઓવલ મેદાન પર 2 જૂન, રવિવારે રમાઈ ગયેલી આઈસીસી વર્લ્ડ કપ-2019 સ્પર્ધાની મેચમાં બાંગ્લાદેશે તેનાથી બળવાન ટીમ દક્ષિણ આફ્રિકાને 21 રનથી પરાજય આપ્યો હતો. સ્કોરઃ બાંગ્લાદેશ 330-6 (50), દક્ષિણ આફ્રિકા 309-8 (50). બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શકીબ અલ હસનને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો. એણે બેટિંગમાં 75 રન કર્યા હતા, બોલિંગમાં 1 વિકેટ લીધી હતી અને એક કેચ પણ પકડ્યો હતો. દક્ષિણ આફ્રિકા સ્પર્ધામાં તેની બંને મેચ હારી ચૂક્યું છે. પહેલી મેચમાં એનો યજમાન ઈંગ્લેન્ડ સામે પરાજય થયો હતો.




શકીબ અલ હસનઃ પ્લેયર ઓફ ધ મેચ