ચંદ્રાપુર (મહારાષ્ટ્ર): મહારાષ્ટ્રનાં જાણીતાં સામાજિક કાર્યકર્તા ડો. શીતલ આમટે-કરજગીએ અત્રેના આનંદવન આશ્રમ ખાતે આજે સવારે આત્મહત્યા કરી હતી. તેઓ દંતકથાસમાન સામાજિક કાર્યકર અને મેગ્સાયસાય એવોર્ડવિજેતા સ્વ. બાબા આમટે (મુરલીધર આમટે)નાં પૌત્રી હતાં. પ્રાથમિક અહેવાલો અનુસાર, ડો. શીતલે આજે સવારે જાતે કોઈક ઝેરી દવાનું ઈન્જેક્શન લઈને પોતાનાં જીવનનો અંત આણ્યો હતો.
ડો. શીતલને તત્કાળ નજીકની ગ્રામ્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં, પરંતુ ત્યાંના ડોક્ટરે એમને મૃત ઘોષિત કર્યાં હતાં. આ કેસમાં વધુ તપાસ ચાલુ છે. આત્મહત્યા કરવા પાછળનું કારણ હજી જાણવા મળ્યું નથી.
ડો. શીતલ આનંદવન આશ્રમ ખાતે કુષ્ઠરોગીઓની સેવા કરતી મહારોગી સેવા સમિતિનાં સીઈઓ હતાં. આનંદવન આશ્રમનો સંપૂર્ણ વહીવટ સંભાળતાં હતાં અને બાબા આમટેની ત્રીજી પેઢીનું નેતૃત્ત્વ કરતાં હતાં. તેઓ ડો. વિકાસ આમટે અને ડો. ભારતી આમટેનાં પુત્રી હતાં. અમુક દિવસો પહેલાં ડો. શીતલ ચર્ચામાં આવ્યાં હતાં. એમણે ગઈ 20 નવેમ્બરે ફેસબુક લાઈવ મારફત મહારોગી સેવા સમિતિ દ્વારા બજાવાતી કામગીરી વિશે અમુક આક્ષેપો કર્યાં હતાં. તેમણે એ કાર્યક્રમમાં એમનાં અમુક કુટુંબીજનો વિરુદ્ધ આક્ષેપો કર્યાં હતાં. તેના અડધા કલાક ડો. શીતલે ફેસબુક પરથી તે ભાષણ ડિલીટ કર્યું હતું, પણ એક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે હું અને મારાં પતિ ગૌતમ કરજગી અમારી ભૂમિકા સ્પષ્ટ કરતું એક નિવેદન ટૂંક સમયમાં જ બહાર પાડીશું.