કોરોના સામે લડવા આયુર્વેદિક દવા કારગર નીવડશે?

નવી દિલ્હી: કોરોના મહામારી સામે અત્યારે સમગ્ર વિશ્વ ઝઝૂમી રહ્યું છે. કોરોનાની દવા શોધવા વિશ્વભરના વૈજ્ઞાનિકો અને સંગઠનો કામે લાગ્યા છે. ભારતમાં પણ હવે કોરોના વાઈરસના ઈલાજ માટે આયુર્વેદિક દવાનું પરીક્ષણ શરુ કરવામાં આવશે.

આયુષ મંત્રી શ્રીપદ નાઇકે ગુરૂવારે ટ્વિટ કરીને જણાવ્યું કે, ‘આયુષ મંત્રાલય અને CSIR (વૈજ્ઞાનિક તથા ઔદ્યોગિક અનુસંધાન પરિષદ) સાથે મળીને કોરોના વાયરસના ઈલાજ માટે ભારતીય આયુર્વેદિક દવા પર કામ કરી રહ્યાં છે. જેનું પરીક્ષણ દર્દીઓ પર એક અઠવાડિયાની અંદરમાં શરૂ કરવામાં આવશે. આ દવાઓ ભારતીય પરંપરાગત આયુર્વેદિક પદ્ધતિથી બનાવવામાં આવી છે.

આયુષની આ ઉપચાર પદ્ધતિને કોવિડ-19ના દર્દી પર એડ-ઓન થેરેપી અને સ્ટાન્ડર્ડ કેયર તરીકે લાગૂ કરવામાં આવશે. આયુષ મંત્રાલયનો ઉદ્દેશ આયુર્વેદ, યોગ, યુનાની, સિદ્ધ તેમજ હોમિયોપેથી વગેરે પરંપરાગત ઔષધિય પદ્ધતિ પર અભ્યાસ તેમજ સંશોધન કરવાનો છે. તો CSIR-(વૈજ્ઞાનિક તથા ઔદ્યોગિક અનુસંધાન પરિષદ) એ ભારત સરકાર દ્વારા સંચાલિત વૈજ્ઞાનિક તથા ઔદ્યોગિક સંશોધન તેમજ વિકાસ કાર્ય કરનાર દેશની સૌથી મોટી સંસ્થા છે.

દેશમાં કોરોના સંક્રમિત લોકોનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રજૂ કરેલા આંકડા પ્રમાણે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 76 હજારને પાર કરી ગઇ છે અને 2,549 જેટલાં રોગીઓના મૃત્યુ થયા છે. તો છેલ્લા ૨૪ કલાકમાં 3,722 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે! આશા રાખીએ કે, આયુષ પદ્ધતિની દવા કોરોના સંક્રમણને નાથવામાં કારગર નીવડે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]