અયોધ્યાઃ 491 વર્ષ જૂના વિવાદનો અંત, આ છે રસપ્રદ ઘટનાક્રમ..

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટની 5 સભ્યોની પીઠે આજે અયોધ્યા મામલે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. CJIએ 45 મિનિટ સુધી ચુકાદો વાંચ્યો હતો અને કહ્યું હતું કે મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવવામાં આવે અને તેની યોજના 3 મહિનામાં તૈયાર કરવામાં આવશે. પીઠે કહ્યું છે કે, મુસ્લિમ પક્ષને મસ્જિદ નિર્માણ માટે અયોધ્યામાં જ 5 એકર વૈકલ્પિક જમીન ફાળવવામાં આવશે.

સીજેઆઈ ગોગોઈએ કહ્યું, હિન્દુ-મુસ્લિમ વિવાદિત સ્થાનને જન્મભૂમિ માને છે પરંતુ આસ્થાથી માલિકી હક નક્કી ન કરી શકાય. પીઠે કહ્યું, તોડી પાડવામાં આવેલું માળખું જ રામનું જન્મસ્થાન છે, હિન્દુઓની આ આસ્થા નિર્વિવાદિત છે. ચીફ જસ્ટિસે શિયા-સુન્ની વક્ફ બોર્ડની અરજી ફગાવી દીધી છે. નોંધનીય છે કે બેન્ચે 40 દિવસ સુધી હિન્દુ અને મુસ્લિમ પક્ષની દલીલ સાંભળ્યા બાદ 16 ઓક્ટોબરે ચૂકાદો અનામત રાખ્યો હતો.

આવો, જાણીએ વિવાદિત સ્થળનો સમગ્ર ઈતિહાસ…

  • 1528: મુગલ બાદશાહ બાબરના કમાન્ડર મીર બાકીએ બાબરી મસ્જિદનું નિર્માણ કરાવ્યું.
  • 1885: મહંત રઘુબીર દાસે ફૈઝાબાદ જિલ્લા અદાલતમાં અરજી દાખલ કરી વિવાદિત ઢાંચાની બહાર આવરણ લગાવવાની મંજૂરી માગી. અદાલતે અરજી ફગાવી દીધી.
  • 1949: વિવાદિત ઢાંચાની બહાર કેન્દ્રીય ગુંબદમાં રામલલાની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી.
  • 1950: રામલલાની મૂર્તિઓની પૂજાનો અધિકાર પ્રાપ્ત કરવા માટે ગોપાલ સિમલા વિશારદએ ફૈઝાબાદ જિલ્લા અદાલતમાં અરજી દાખલ કરી.
  • 1950: પરમહંસ રામચંદ્ર દાસે પૂજા ચાલુ રાખવા અને મૂર્તિઓ રાખવા માટે અરજી દાખલ કરી.
  • 1959: નિર્મોહી અખાડાએ જમીન પર અધિકાર મેળવવા માટે અરજી દાખલ કરી.
  • 1981: ઉત્તરપ્રદેશ સુન્ની કેન્દ્રીય વકફ બોર્ડે વિવાદિત સ્થળ પર અધિકાર માટે અરજી દાખલ કરી.

 

  • 1 ફેબ્રુઆરી 1986: સ્થાનીક અદાલતે સરકારને પૂજાના ઉદ્દેશથી હિન્દુ શ્રદ્ધાંળુઓ માટે સ્થળ ખોલવાનો આદેશ આપ્યો.
  • 14 ઓગસ્ટ 1986: અલાહાબાદ ઉચ્ચ ન્યાયાલયે વિવાદિત ઢાંચાની યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો.
  • 6 ડિસેમ્બર 1992: બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી.

3 એપ્રિલ 1993: વિવાદિત સ્થળ પર જમીન અધિગ્રહણ માટે કેન્દ્રએ અયોધ્યામાં નિશ્ચિત ક્ષેત્ર અધિગ્રહણ કાયદો પસાર કર્યો. અધિનિયમના અલગ અલગ પહેલુઓને લઈને અલાહાબાદ હાઈ કોર્ટેમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી. જેમાં ઈસ્માઈલ ફારુકીની અરજી પણ સામેલ હતી. હાઈકોર્ટે અનુચ્છેદ 139એ હેઠળ તેમના અધિકારોનો ઉપયોગ કરીને પીઆઈએલ અરજીઓને સ્થાનાંતરિત કરી દીધી, જે સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હતી.

  • 24 ઓક્ટોબર 1994: હાઈકોર્ટે ઐતિહાસિક નિર્ણય આપતા ઈસ્માઈલ ફારુકી મામલે કહ્યું કે, મસ્જિદ ઈસ્લામ સાથે જોડાયેલી નથી.
  • એપ્રીલ 2002: હાઈકોર્ટમાં વિવાદિત સ્થળના માલિકીના હક્કને લઈને સુનાવણી શરુ થઈ.
  • 13 માર્ચ 2003: હાઈકોર્ટે અસલમ ઉર્ફે ભૂરે મામલે કહ્યું, અધિગ્રહીત સ્થળ પર કોઈ પણ પ્રકારની ધાર્મિક ગતિવિધિની અનુમતિ નથી.
  • 30 સપ્ટેમ્બર 2010: અલાહાબાદ હાઈકોર્ટે 2-1ના બહુમતથી વિવાદિત ક્ષેત્રને સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડા, અને રામલલા વચ્ચે 3 ભાગમાં વહેંચી દેવાનો આદેશ આપ્યો.
  • 9 મે 2011: સુપ્રીમ કોર્ટે અયોધ્યા જમીન વિવાદ મામલે અલાહાબાદ હાઈકોર્ટના નિર્ણય પર પ્રતિબંધ લગાવ્યો.
  • 26 ફેબ્રુઆરી 2016: સુબ્રમણ્યમ સ્વામીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને વિવાદીત સ્થળ પર રામ મંદિર બનાવવાની માગ કરી.

  • 21 માર્ચ 2017: સીજેઆઈ જેએસ ખેહર એ સંબંધિત પક્ષો વચ્ચે અદાલતની બહાર સમાધાનનું સૂચન આપ્યું.
  • 7 ઓગસ્ટ 2017: ઉત્તર પ્રદેશ શિયા કેન્દ્રીય વકફ બોર્ડે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, વિવાદિત સ્થળથી થોડા અંતર પર મુસ્લિમ વસ્તી ધરાવતા વિસ્તારમાં મસ્જિદ બનાવી શકાય તેમ છે.
  • 11 સપ્ટેમ્બર 2017: સુપ્રીમ કોર્ટે અલાહાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયધીશને નિર્દેશ આપ્યા કે, 10 દિવસની અંદર 2 વધારાને જિલ્લા ન્યાયધીશોની નિયુક્તિ કરે, જે વિવાદિત સ્થળની યથાસ્થિતિની દેખરેખ રાખે.
  • 20 નવેમ્બર 2017: યૂપી શિયા કેન્દ્રીય વકફ બોર્ડે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, મંદિરનું નિર્માણ અયોધ્યામાં કરી શકાય અને મસ્જિદનું લખનૌમાં.
  • 1 ડિસેમ્બર 2017: અલાહાબાદ હાઈકોર્ટના 2010ના ચૂકાદાને પડકારતા 32 માનવાધિકાર કાર્યકર્તાઓએ અરજી દાખલ કરી.

 

  • 8 ફેબ્રુઆરી 2018: સિવિલ અરજીઓ પર સુપ્રીમ કોર્ટે સુનાવણી શરુ કરી.
  • 14 માર્ચ 2018: સુપ્રીમ કોર્ટે સ્વામીની અરજી સહિત તમામ વચ્ચગાળાની અરજીઓને ફગાવી દીધી.
  • 6 એપ્રીલ 2018: રાજીવ ધવને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી 1994ના નિર્ણયની ટિપ્પણી પર પુનર્વિચાર મુદ્દાને મોટી બેંચ પાસે મોકલવા આગ્રહ કર્યો.
  • 6 જુલાઈ 2018: યૂપી સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે કેટલાક મુસ્લિમ સમૂહ 1994ના નિર્ણયની ટિપ્પણીઓ પર પુનર્વિચારની માગ કરી સુનાવણીમાં વિલંબ કરાવવા માગે છે.
  • 20 જુલાઈ 2018: સુપ્રીમ કોર્ટ નિર્ણય સુરક્ષિત રાખ્યો.
  • 27 સપ્ટેમ્બર 2018: સુપ્રીમ કોર્ટે મામલાને પાંચ સભ્યોની બંધારણીય પીઠ સમક્ષ મોકલવાનો ઈનકાર કર્યો. મામલાની સુનાવણી 29 ઓક્ટોબરે ત્રણ સભ્યોની નવી પીઠ દ્વારા કરવાની વાત કહી.
  • 29 ઓક્ટોબર 2018: સુપ્રીમ કોર્ટે મામલાની સુનાવણી પીઠ સમક્ષ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં નક્કી કરી, જે સુનાવણીનો સમય નક્કી કરશે.
  • 12 નવેમ્બર 2018: અખિલ ભારત હિન્દુ મહાસભાની અરજીઓ પર જલ્દી સુનાવણી પર સુપ્રીમ કોર્ટે ઈનકાર કર્યો.
  • 4 જાન્યુઆરી 2019: સુપ્રીમ કોર્ટે કહ્યું કે, માલિકીના હક્ક મામલે સુનાવણીની તારીખ નક્કી કરવા માટે તેમના દ્વારા રચવામાં આવેલી પીઠ 10 જાન્યુઆરી એ નિર્ણય સંભળાવશે.
  • 8 જાન્યુઆરી 2019: સુપ્રીમ કોર્ટે મામલાની સુનાવણી માટે 5 ન્યાયધીશોની બેંચની રચના કરી, જેની અધ્યક્ષતા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને સોંપવામાં આવી. આ ખંડપીઠમાં જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ એનવી રમન્ના, જસ્ટિસ યૂયૂ લલિત અને જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ સામેલ હતાં.
  • 10 જાન્યુઆરી 2019: જસ્ટિસ યૂયૂ લલિત પીઠમાં ખસી ગયા, ત્યારબાદ સુપ્રીમ કોર્ટે મામલાની સુનાવણી 29 જાન્યુઆરીના રોજ નવી પીઠ સમક્ષ નક્કી કરી.
  • 25 જાન્યુઆરી 2019: સુપ્રીમ કોર્ટે મામલાની સુનાવણી માટે 5 સભ્યોની બેંચનું પુનર્ગઠન કર્યું. નવી પીઠમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસએ નઝીરનો સમાવેશ કરવામાં આવ્યો.
  • 29 ફેબ્રુઆરી 2019: સુપ્રીમ કોર્ટ મધ્યસ્થતાનું સૂચન કર્યું અને નિર્ણય માટે 5 માર્ચની તારીખ નક્કી કરી, જેમાં વિવાદિત મામલાને અદાલત તરફથી નિયુક્ત મધ્યસ્થ પાસે મોકલવામાં આવશે કે નહીં એના પર નિર્ણય લેવામાં આવશે.
  • 8 માર્ચ 2019: સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા માટે વિવાદને એક સમિતિ પાસે મોકલ્યો, જેના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ એફએમઆઈ કલીફુલ્લાને બનાવવામાં આવ્યાં.
  • 9 એપ્રીલ 2019: નિર્મોહી અખાડાએ અયોધ્યા સ્થળની આસપાસ અધિગ્રહિત જમીનને તેમના માલિકોને પરત કરવા કેન્દ્રની અરજીનો સુપ્રીમ કોર્ટમાં વિરોધ કર્યો.
  • 10 મે 2019: મધ્યસ્થતા પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે સુપ્રીમ કોર્ટે 15 ઓગસ્ટ સુધી સમયમર્યાદા લંબાવી.
  • 11 જુલાઈ 2019: સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતાની પ્રોગ્રેસ પર રિપોર્ટ માગ્યો.
  • 18 જુલાઈ 2019: સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા પ્રક્રિયાને ચાલુ રાખવાની મંજૂરી આપતા 1 ઓગસ્ટ સુધીમાં ફાઈનલ રિપોર્ટ આપવા કહ્યું.
  • 1 ઓગસ્ટ 2019: મધ્યસ્થતાનો રિપોર્ટ સીલબંધ ફાઈલમાં અદાલતને સોંપવામાં આવ્યો.
  • 2 ઓગસ્ટ 2019: સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા અસફળ રહેતા 6 ઓગસ્ટથી દરરોજ સુનાવણીનો નિર્ણય કર્યો.
  • 6 ઓગસ્ટ 2019: સુપ્રીમ કોર્ટે વિવાદિત મામલે  દરરોજ સુનાવણી શરુ કરી.
  • 4 ઓક્ટોબર 2019: કોર્ટે કહ્યું કે, 17 ઓક્ટોબર સુધી સુનાવણી પૂર્ણ કરીને 17 નવેમ્બર સુધીમાં અંતિમ ચૂકાદો આપવશે. સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને રાજ્ય વકફ બોર્ડના અધ્યક્ષને સુરક્ષા પૂરી પાડવા માટે કહ્યું.
  • 16 ઓક્ટોબર 2019: સુપ્રીમ કોર્ટે રામ જન્મભૂમી વિવાદ મામલે સુનાવણીની પ્રક્રિયા પૂર્ણ કરીને નિર્ણય સુરક્ષિત રાખ્યો.