1949 અને 1992 માં જે થયું એ પણ ગેરકાયદે હતુંઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે અયોધ્યા મામલામાં ઐતિહાસિક નિર્ણય સંભળાવતા વિવાદિત જમીન હિંદુઓને સોંપવાનો આદેશ આપ્યો છે. સાથે જ કેન્દ્ર સરકારને ત્રણ મહિનાની અંદર મંદિર માટે ટ્રસ્ટનુ નિર્માણ કરવા માટે કહ્યું છે. સુપ્રીમ કોર્ટે એ આદેશ પણ આપ્યો છે કે મસ્જિદ માટે કેન્દ્ર અથવા રાજ્ય સરકાર અયોધ્યામાં જ સૂટેબલ અને પ્રોમિનન્ટ જમીન આપે. કોર્ટે એપણ કહ્યું કે 1992 માં બાબરી મસ્જિદને હટાવવી અને 1949 માં મૂર્તિઓ રાખવી તે ગેરકાયદેસર હતું. સુપ્રીમ કોર્ટ દ્વારા રામ લલ્લા વિરાજમાનને માલિકીનો હક્ક આપવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 2.77 એકર જમીન હિંદુઓના પક્ષમાં છે. કેન્દ્ર સરકાર ત્રણ મહિનાની અંદર મંદિર માટે ટ્રસ્ટ બનાવશે, ટ્રસ્ટમાં નિર્મોહી અખાડાનો પ્રતિનિધિ પણ રહેશે. CJI રંજન ગોગોઈએ કહ્યું કે, અત્યારે અધિગ્રહિત જગ્યાનો કબ્જો રિસીવર પાસે રહેશે. સુન્ની વક્ફ બોર્ડને પાંચ એકર જમીન મળશે.

કોર્ટે શરુઆતમાં કહ્યું કે શિયા વક્ફ બોર્ડ અને નિર્મોહી અખાડા અરજી ફગાવી દીધી છે. આ નિર્ણય તમામ જજોની સહમતિથી થયો છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય નાયાધીશ રંજન ગોગોઈએ કહ્યું કે, પુરાતત્વ વિભાગે મંદિર હોવાના પૂરાવા રજૂ કર્યા છે. સેંકડો પન્નાઓનું જજમેન્ટ વાંચતા પીઠે કહ્યું કે હિંદુ અયોધ્યાને રામ જન્મસ્થળ માને છે અને રંજન ગોગોઈએ કહ્યું કે કોર્ટ માટે ધર્મશાસ્ત્રમાં જવું યોગ્ય નથી. પરંતુ પુરાતત્વ વિભાગ એપણ ન જણાવી શક્યું કે મંદિર પાડીને મસ્જિદ બનાવવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં કહેવામાં આવ્યું કે 1856-57 પહેલા હિંદુઓને આંતરિક યાર્ડમાં જવા માટે કોઈ રોક નહોતી. મુસ્લિમોને બહારનું જે યાર્ડ અથવા જગ્યા છે તેનો અધિકાર નહોતો. સુન્ની વક્ફ બોર્ડ એકલ અધિકાર પૂરાવા રજૂ ન કરી શક્યું.