નવી દિલ્હીઃ કેન્દ્રીય સંસ્કૃતિ પ્રધાન પ્રહલાદ સિંહ પટેલે કેન્દ્ર સરકારની નમામિ ગંગે પરિયોજના માટે ફંડ એક્ત્ર કરવાના હેતુથી છેલ્લા એક વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલા ઉપહારોનું પ્રદર્શન તેમજ ઈ-હરાજીનું ઉદઘાટન કર્યું. રાષ્ટ્રીય આધુનિક કલા સંગ્રહાલયમાં શાલ, પાઘડીઓ અને જેકેટો સહિત 2700થી વધુ સ્મૃતિચિન્હોની 14 સપ્ટેમ્બરથી લઈને આગામી 3 ઓક્ટોબર સુધી www.pmmementos.gov.in વેબસાઈટ પરથી ઈ-હરાજી કરવામાં આવશે.
પટેલે જણાવ્યું કે, રાષ્ટ્રીય આધુનિક કલા સંગ્રહાલય (એનજીએમએ)માં સવારે 11 વાગ્યાથી લઈને રાતના 8 વાગ્યા સુધી જાહેર જનતા માટે ‘સ્મૃતિ ચિહ્નો’ના નામથી અંદાજે 500 સ્મૃતિ ચિહ્નોનું પ્રદર્શન લગાવામાં આવ્યું છે.
આ સ્મૃતિ ચિહ્નો માટે ઓછામાં ઓછી કિંમત 200 રૂપિયા અને વધુમાં વધુ કિંમત 2.5 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. વડાપ્રધાન નર્નેદ3 મોદીએ પણ ટ્વીટ કરીને લોકોને આમાં ભાગ લેવા અપીલ કરી છે.
વડાપ્રધાન મોદીએ ઈ-હરાજીની લિંકને ટેગ કરતા ટ્વીટ કર્યું કે, છેલ્લા એક વર્ષમાં મને જેટલા પણ ઉપહારો અને સ્મૃતિ ચિહ્નો મળ્યા છે તેમની હરાજી આજથી શરુ થઈને 3 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. આ સ્મૃતિ ચિહ્નોની દિલ્હીમાં ઈન્ડિયા ગેટની નજીક એનજીએમએ માં પ્રદર્શન રાખવામાં આવશે.
પ્રહલાદ સિંહ પટેલે કહ્યું કે, મોદી ભારતના પહેલા એવા વડાપ્રધાન છે જેમણે દેશની જીવનરેખાના સંરક્ષણના ઉમદા હેતુ માટે તેમને મળેલા તમામ ઉપહારોની હરાજી કરવાનો નિર્ણય કર્યો છે. સ્મૃતિ ચિહ્નોમાં 576 સાલ, 964 અંગવસ્ત્રો, 88 પાઘડીઓ અને જૂદા જૂદા જેકેટનો સમાવેશ થાય છે.
મહત્વનું છે કે, વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ સમયે પણ તેમને મળેલા ભેટ-ઉપહારોની હરાજી કરવામાં આવતી હતી અને તેમાંથી જે રકમ મળતી હતી તેનો ઉપયોગ કન્યા કેળવણી પાછળ કરવામાં આવતો હતો.