પશ્ચિમ બંગાળમાં ED પછી NIAની ટીમ પર હુમલો

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં ED પછી NIAની ટીમ પર હુમલો થયો છે. પૂર્વ મિદનાપોર જિલ્લાના ભૂપતિનગરમાં નેશનલ ઇન્વેસ્ટિશન એજન્સી (NIA)ની એક ટીમ પર સ્થાનિક લોકોના એક જૂથે હુમલો કરી દીધો હતો. પ્રાપ્ત માહિતી મુજબ NIAના અધિકારી ડિસેમ્બર, 2022માં એક વિસ્ફોટની તપાસ માટે ત્યાં પહોંચ્યા હતા. આ વિસ્ફોટમાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં.

કલકત્તા હાઈકોર્ટના આદેશ અનુસાર NIAની ટીમ શનિવારે તપાસ માટે અહીં પહોંચી હતી. ત્યારે જ તપાસકારોની ટીમના કાફલાની કાર સાથે તોડફોડ કરવામાં આવ્યાનો આરોપ લાગ્યો છે.

પશ્ચિમ બંગાળમાં ત્રણ મહિનાની અંદર કેન્દ્રીય એજન્સીઓની ટીમ પર હુમલાની આ બીજી ઘટના છે. પાંચ જાન્યુઆરીએ સંદેશખાલામાં ED અને એની સાથે આવેલા CAPF કર્મચારીઓ પર 1000થી વધુ લોકોના એક જૂથે હુમલો કર્યો હતો. એ સમયે સંદેશખાલીમાં TMCના સસ્પેન્ડેડ શેખ શાહજહાંના નિવાસ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા અને તપાસ કરવામાં આવી હતી. આ હુમલામાં EDના ત્રણ અધિકારી ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા હતા.

NIAએ દાવો કર્યો છે કે બે વ્યક્તિને પૂછપરછ માટે લઈ જતી વખતે જ તેમની ટીમ પર 100થી વધુ લોકો દ્વારા હુમલો કરી દેવામાં આવ્યો હતો. NIAની ટીમ વિસ્તારમાં થયેલા વિસ્ફોટની તપાસ માટે ભૂપતિનગર પહોંચ્યા હતા. જ્યારે ટીમના અધિકારીઓ બે લોકોને લઈ જઈ રહ્યા હતા ત્યારે ગામના લોકોએ NIAની ગાડીને ઘેરી લેતાં બંનેને મુક્ત કરવાની માગ કરી અને પછી તોડફોડ મચાવતાં હુમલો કરી દીધો. આ હુમલામાં બે અધિકારીઓને સામાન્ય ઈજાઓ થઈ હતી.