કોલકાતાઃ પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં દરોડા કરવા ગયેલી ED ટીમ પર આશરે 250થી 300 લોકોએ હુમલો કરી દીધો છે. અહીં 24 પરગણા જિલ્લામાં EDની ટીમ રેશન કૌભાંડ મામલે તૃણમૂલ નેતા શાહજંહા શેખનાં સ્થળો પર દરોડા મારવા પહોંચી હતી. ED ટીમ હજી શેખના ઘરે પહોંચી જ હતી કે લોકોએ તેમના પર હુમલો કરી દીધો હતો. અહેવાલ અનુસાર 200થી 300 લોકોએ EDના અધિકારીઓ અને અર્ધસૈનિક દળોને ઘેરી લીધા હતા. આ લોકોએ અધિકારીઓની ગાડીઓની પણ તોડફોડ કરી હતી. આ ભીડે પત્રકારોને પણ નિશાન બનાવ્યા હતા. લોકો ઇંટો અને પથ્થરોથી હુમલો કરી રહ્યા હતા.
ED છેલ્લા કેટલાક મહિનાઓથી અનાજ (રેશન) વિતરણ કૌભાંડ મામલે દરોડ કરી રહી છે. કેટલાક દિવસો પહેલાં EDએ ખુલાસો કર્યો હતો કે પશ્ચિમ બંગાળમાં જાહેર વિતરણ પ્રણાલી (PDS)ના આશરે 30 ટકા અનાજ બજારમાં વેચી દીધું હતું. એજન્સીએ ખુલાસો કરતાં કહ્યું હતું કે અનાજ વેચ્યા પછી જે પૈસા મળ્યા હતા, એને મિલમાલિકોએ અને PDS વિતરકોની વચ્ચે વહેંચી દેવામાં આવ્યા હતા.
ચોખાની મિલમાલિકોએ કેટલીક સહકારી સમિતિઓની મિલી ભગતથી ખેડૂતોના નકલી બેન્ક ખાતાંઓ ખોલ્યાં અને તેમને અપાતી MSPની રકમ પોતાનાં ખિસ્સાંમાં ભરી લીધી હતી. મુખ્ય સંદિગ્ધોમાંથી એકે સ્વીકાર કર્યો હતો કે ચોખાના મિલમાલિકોએ પ્રતિ ક્વિન્ટલ આશરે રૂ. 200ની કમાણી કરી હતી. આ અનાજને સરકારી એજન્સીઓ ખેડૂતો પાસેથી ખરીદવાની હતી. કેટલાય ચોખાના મિલમાલિકો વર્ષોથી આ કૌભાંડ કરી રહ્યા છે.