અસમમાં NRC લિસ્ટ જાહેર, 19.06 લાખ લોકો થયા બહાર…

ગુવાહાટી- અસમમાં કડક સુરક્ષા વચ્ચે એનઆરસી લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. એનઆરસીના સમન્વયક પ્રતીક હજેલાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું કે કુલ 3,11,21,004 લોકોને લિસ્ટમાં શામિલ કરવામાં આવ્યા છે. જ્યારે 19,06,657 લોકો લિસ્ટમાં જગ્યા નથી આપવામાં આવી. આમાં એ લોકો પણ શામિલ છે કે જેમણે કોઈ દાવો નથી કર્યો. તેમણે એપણ જણાવ્યું કે જે લોકો આનાથી સહમત નથી તેઓ ટ્રિબ્યુનલમાં અપીલ કરી શકે છે. સુરક્ષાને ધ્યાને રાખતા, રાજ્યના કેટલાક વિસ્તારોમાં કલમ 144 પણ લગાવી દેવામાં આવી છે. જે લોકોના નામ અંતિમ સૂચીમાં નહી હોય, તેમની સુરક્ષાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગત વર્ષે જાહેર કરાયેલી એનઆરસીની પ્રથમ યાદીમાં 41 લાખ લોકોના નામ રજિસ્ટરમાં દાખલ ન હતાં. જોકે સરકારે લોકોને આશ્વાસન આપ્યું છે કે, એનઆરસીમાં નામ ન હોય તો પરેશાન થવાની જરૂર નથી. દરેક વ્યક્તિને પોતાની નાગરિકતા સાબિત કરવાની પૂરતી તક આપવામાં આવશે.

કેન્દ્ર અને રાજ્ય સરકારે રાજ્યમાં કડક સુરક્ષા ગોઠવી દીધી છે. આસામના મુખ્યપ્રધાન સોનોવાલે લોકોને શાંતિ અને ભાઇચારો જાળવી રાખવાની અપીલ કરી છે. કાશ્મીરમાંથી આર્ટિકલ 370 નાબૂદ કરતા પહેલા આસામમાંથી સીઆરપીએફની 55 કંપની હટાવવામાં આવી હતી. જો કે હવે સરકારની વિનંતી પર 51 કંપની તૈનાત કરવામાં આવી છે.

એનઆરસીની છેલ્લી અને અંતિમ યાદી 31 જુલાઇએ પ્રકાશિત થવાની હતી પરંતુ રાજ્યમાં પૂરની સ્થિતિને કારણે એનઆરસી ઓથોરિટીએ આને 31 ઓગસ્ટ સુધી લંબાવવાનો નિર્ણય લીધો હતો. અગાઉ 2018માં 30 જુલાઇએ એનઆરસીનો ફાઇનલ ડ્રાફ્ટ આવ્યો હતો. યાદીમાં સામેલ નહીં થયેલા લોકોના ફરીથી વેરિફિકેશન માટે એક વર્ષનો સમય આપવામાં આવ્યો હતો.

એનઆરસીને લઈને વિપક્ષ ઉપરાંત સત્તાધારી પક્ષ બીજેપીમાં પણ આંતરિક અસંતોષનો સ્વર સંભળાય રહ્યો છે. ભાજપના ફાયરબ્રાન્ડ બંગાળી હિન્દૂ નેતા સિલાદિત્ય દેવે કહ્યું કે, એનઆરસી કોર્ડિનેટર્સ વર્ષ 1971 પહેલા પલાયન કરીને આવનારા હિન્દૂ વિસ્થાપિતો માટે એટલ ઉત્સુક ન હતાં જેટલા 1971 પછી રાજ્યમાં આવેલા મુસ્લિમ પ્રવાસીઓને લઈને ઉત્સાહિત હતાં. તેમણે કહ્યું કે, એનઆરસી એક દસ્તાવેજી પ્રક્રિયા છે, જે મેનેજ કરી શકશે તેને આમા સ્થાન મળી જશે.

આસામ પોલીસ અને સરકારે રાજ્યમાં લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. પોલીસે લોકોને જણાવ્યું છે કે, કેટલાક અસામાજીક તત્વો એનઆરસીને લઇને ભ્રમ ફેલાવી રહ્યા છે જેથી લોકો આના પર ધ્યાન આપે નહીં.