આર્યન ખાન ડ્રગ્સ કેસમાં NCBના ભૂતપૂર્વ અધિકારી સમીર વાનખેડેને સમન્સ

મુંબઈઃ બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન પાસેથી ગેરકાયદેસર ડ્રગ્સ જપ્ત કરવાના કેસમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)ના ભૂતપૂર્વ અધિકારી સમીર વાનખેડે સામે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એજન્સીએ સમન્સ ઈશ્યૂ કર્યું છે. સીબીઆઈએ એનસીબીના મુંબઈ ઝોનના ભૂતપૂર્વ વડા વાનખેડેને કહ્યું છે કે તેમણે 18 મેએ એજન્સી સમક્ષ હાજર થવું અને પોતાનું નિવેદન રેકોર્ડ કરાવવું.

ઉલ્લેખનીય છે કે સીબીઆઈએ ગયા સોમવારે વાનખેડે સામે એફઆઈઆર નોંધી હતી અને એમની સામે કેટલાક ગંભીર આરોપ મૂક્યા છે. એજન્સીના અમલદારોએ વાનખેડેનો અંગત મોબાઈલ ફોન જપ્ત કર્યો છે અને એમાંની માહિતી મેળવવા માટે તેને ફોરેન્સિક લેબમાં મોકલી આપ્યો છે. આ કામગીરી માટે નિષ્ણાતોની એક ટૂકડીની રચના કરવામાં આવી છે.