નવી દિલ્હીઃ ભાજપના વરિષ્ઠ નેતા અરુણ જેટલીએ અત્યારે રાજનૈતિક રુપે સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. અરુણ જેટલીએ જણાવ્યું છે કે તે નવી સરકારમાં કોઈ પ્રધાનપદ સંભાળશે નહી. જેટલીએ એક પત્ર લખીને વડાપ્રધાન મોદીને આની જાણકારી આપી છે. અરુણ જેટલીએ પોતાના ખરાબ સ્વાસ્થ્યને લઈને સક્રિય રાજનીતિથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે.
વડાપ્રધાન મોદીને લખેલા પત્રમાં અરુણ જેટલીએ લખ્યું છે કે છેલ્લાં 18 માસથી તેમને સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ સામે લડવું પડી રહ્યું છે. જેટલીએ લખ્યું કે પોતાની સારવાર અને સ્વાસ્થ્ય સુધાર માટે થોડો સમય જોઈએ છે અને આવામાં તેઓ નવી સરકારમાં કોઈ જવાબદારી સંભાળી નહી શકે. 66 વર્ષીય જેટલી ગત શુક્રવારના રોજ કેન્દ્રીય પ્રધાન મંડળની બેઠકમાં પણ ઉપસ્થિત રહ્યાં નહોતાં.
અરુણ જેટલીએ પત્રમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વના વખાણ કરીને તેમને ધન્યવાદ આપ્યાં છે. ઉલ્લેખનીય છે કે ગુરુવારના રોજ મોદી સરકારના પ્રધાનમંડળનું ગઠન થશે. અરુણ જેટલી મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં નાણાં પ્રધાનનું પદ સંભાળી ચૂક્યાં છે. આપને જણાવી દઈએ કે છેલ્લાં ઘણા સમયથી ખરાબ સ્વાસ્થ્ય સામે લડી રહ્યાં છે. ગત દિવસોમાં તેમની સર્જરી પણ કરવામાં આવી હતી. જેને લઈને તેઓ ઘણાં દિવસોથી મંત્રાલયના કામકાજથી પણ દૂર રહ્યાં હતાં અને તેમની જગ્યાએ પીયૂષ ગોયલે નાણાં મંત્રાલયનું કામકાજ સંભાળ્યું હતું.
અરુણ જેટલી છેલ્લાં ત્રણ માસથી કામકાજથી દૂર રહ્યાં છે. તાજેતરમાં જ તેમણે નાણાં મંત્રાલયના અધિકારીઓ સાથે પોતાના આવાસ પર મુલાકાત પણ કરી હતી. તાજેતરમાં જ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે અરુણ જેટલી સાથે મુલાકાત કરી હતી.