પુણેઃ ભંગારના ધંધામાંથી મોટા ઉદ્યોજક બનેલા, ‘હૈદરાબાદના ઘોડાવાલા’ તરીકે જાણીતા તેમજ અબજો રૂપિયાની માયા સ્વિસ બેન્કમાં સંતાડનાર પુણેના મોટા ઉદ્યોગપતિ હસન અલી ખાનનું હૈદરાબાદમાં અવસાન થયું છે. એ 71 વર્ષનો હતો. હસન અલી મની લોન્ડ્રિંગ પ્રકરણમાં આવકવેરા વિભાગ, સીબીઆઈ અને ઈડી વિભાગોની નજરમાં હતો. એ પ્રકરણ અંતર્ગત 2011માં એની ધરપકડ પણ કરવામાં આવી હતી. ચાર વર્ષ સુધી એ જેલમાં રહ્યો હતો. 2015માં એને જામીન મળ્યા હતા. એની સામે અદાલતી કાર્યવાહી શરૂ થવાની હજી બાકી હતી. હસનઅલી પારિવારિક કામસર હૈદરાબાદ ગયો હતો ત્યાં ગયા ગુરુવારે રાતે એનું નિધન થયું હતું. એની દફનવિધિ પુણેમાં કરવામાં આવી હતી. ત્યાં એની પત્ની અને પુત્ર રહે છે.
હસન અલી ખાનનો જન્મ 1953માં હૈદરાબાદ જિલ્લાના એક ગામમાં એક સામાન્ય પરિવારમાં થયો હતો. એના પિતા એક્સાઈઝ ડ્યૂટી વિભાગમાં કર્મચારી હતા. શરૂઆતમાં હસનઅલીએ ભંગારનો ધંધો કર્યો હતો. એમાં સફળતા મળતાં એણે અનેક ધંધા શરૂ કર્યા હતા. એની ગાડી સડસડાટ આગળ વધવા માંડી હતી. 1999માં એ પુણે આવ્યો હતો અને ત્યાં એણે અઢળક કમાણી કરી. અસંખ્ય ધંધા કરીને એણે કરોડોની સંપત્તિ એકઠી કરી. જોકે ટેક્સ ન ચૂકવીને એણે સરકાર સાથે પંગો લીધો હતો. કરચોરી કરીને ભેગા કરેલા નાણાં એણે સ્વિસ બેન્કમાં સંતાડ્યા હતા. એને કારણે તે આવકવેરા અને ઈડી એજન્સીઓના રડાર પર હતો. આખરે સાત કેસમાં એની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. હૈદરાબાદમાં પણ એની પર ગુના નોંધવામાં આવ્યા હતા.
હૈદરાબાદમાં એણે ઘોડાઓનું પાલન અને રેસિંગ બિઝનેસ શરૂ કર્યો હતો. એમાં તે કરોડો રૂપિયા કમાયો હતો. એમાંથી જ એની ઓળખ હૈદરાબાદના ઘોડાવાલા તરીકે સ્થાપિત થઈ હતી. ત્યારબાદ એણે દેશભરમાં રેસ માટેના ઘોડા વેચવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં, લંડન અને સ્વિટ્ઝર્લેન્ડમાં પણ એના ઘોડા દોડ્યા હતા. 2002માં આવકવેરા વિભાગે એની સામે મની લોન્ડ્રિંગ કેસ નોંધ્યો હતો અને પુણેના કોરેગાવ વિસ્તારસ્થિત એના નિવાસસ્થાન પર દરોડો પાડ્યો હતો. સ્વિસ બેન્કમાં હસનઅલીએ 36,000 કરોડ રૂપિયા જમા કર્યા હોવાનું માલૂમ પડ્યું હતું. 2011ની 7 માર્ચે પોલીસે એની ધરપકડ કરી હતી.