નવી દિલ્હીઃ લદાખમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા ગતિરોધનો કેસ ઉકેલ તરફ આગળ વધી રહ્યો છે. ભારતીય સેના પ્રમુખ એમ. એમ. નરવાણેએ શનિવારના રોજ કહ્યું કે ભારત ચીન સાથે વાતચીત દ્વારા મતભેદોના સમાધાનમાં રોકાયેલ છે. બંને દેશોની સરહદ પરની પરિસ્થિતિઓ સંપૂર્ણ નિયંત્રણમાં છે. બંને દેશોની સરહદ પર સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. તો નેપાળની સાથે શરૂ થયેલા સરહદ વિવાદ પર બોલતા સેના પ્રમુખે કહ્યું કે બંને દેશો વચ્ચે મજબૂત ભૌગોલિક સાંસ્કૃતિક અને ધાર્મિક સંબંધો છે જે આગળ પણ ચાલુ રહેશે.
ઉલ્લેખનીય છે કે ભારત-ચીન સરહદ પર ચીની સૈનિકોના આક્રમક અભિગમના લીધે લદ્દાખમાં વાતાવરણ તંગ બન્યું હતું. આ મામલાને લઇ કેન્દ્રની મોદી સરકાર પર પણ નિશાન સાંધવામાં આવી રહ્યું હતું. ચીનની સાથેના વિવાદને લઈ દેશભરમાં ચિંતાનો માહોલ હતો. આવી સ્થિતિમાં સેના પ્રમુખે શનિવારે પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું આશ્વાસન આપ્યું. તેમણે કહ્યું, ‘હું દરેકને આશ્વસ્ત કરવા માગીશ કે ચીનની સાથે લાગેલી આપણી સરહદો પર પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. આપણે ચીન સાથે કમાન્ડર સ્તરની તમામ વાતચીત કરી રહ્યા છીએ.
નરવણે એ કહ્યું કે આ સિવાય સ્થાનિક સ્તર પર પણ સમાન રેન્કના કમાન્ડર્સની વચ્ચે વાટાઘાટો દ્વારા ગતિવિધિને ઉકેલવાના પ્રયાસ ચાલી રહ્યા છે. નરવણે શનિવારના રોજ દહેરાદૂનમાં આઇએમએની પાસિંગ આઉટ પરેડમાં ભાગ લેવા ઉત્તરાખંડ પહોંચ્યા હતા.
સેના પ્રમુખે કહ્યું કે વાતચીત દ્વારા ગતિવિધિને ઘણો ઘટાડી ચૂકયા છીએ. અમે આશા રાખીએ છીએ કે બંને દેશો વચ્ચે ચાલી રહેલી વાતચીત દ્વારા તમામ મતભેદો ઉકેલાશે. તેમણે દાવો કર્યો હતો કે બધું જ નિયંત્રણમાં છે. તે જ સમયે સેના પ્રમુખે નેપાળની સરહદ પર વધી રહેલ હલચલ વિશે પણ વાત કરી હતી. તેમણે બંને દેશો વચ્ચે મજબૂત સાંસ્કૃતિક સંબંધોને ટાંકતા કહ્યું કે ભારત અને નેપાળ વચ્ચેના સંબંધો હંમેશા મજબૂત રહેશે.
