અમેરિકામાં ભારતને સોંપાયું પ્રથમ ‘અપાચે’, શું છે શિકારી દમખમ જાણો…

એરિઝોના- ભારતને અમેરિકા સાથે 2015માં કરેલા સોદા પ્રમાણેનું પહેલું અપાચે ગાર્ડિયન એટેક હેલિકોપ્ટર સુપરત કરવામાં આવ્યું છે. અમેરિકાના એરિઝોનામાં પ્રોડક્શન ફેસેલિટી સેન્ટરમાં ભારતીય વાયુસેનાને તેનું પહેલું અપાચે સોંપવામાં આવ્યું છે. ભારત અમેરિકા પાસેથી 22 અપાચે ગાર્ડિયન એટેક હેલિકોપ્ટર ખરીદીનો કરાર કરેલો છે.ભારતીય વાયુસેનાએ આ પ્રસંગે ટ્વીટ કર્યું હતું અને જણાવ્યું કે આ વર્ષના જુલાઈ સુધીમાં અપાચેનો પહેલો જથ્થો ભારત આવવાનો કાર્યક્રમ નિર્ધારિત છે. એર ક્રૂ અને ગ્રાઉન્ડ ક્રૂને અલબામા સ્થિત અમેરિકી સેનાના ટ્રેનિંગ પેસેલિટી સેન્ટમાં પ્રશિક્ષણ લીધું છે. અપાચેને સોંપવાના પ્રસંગે ભારતીય વાયુસેનાના એરમાર્શલ એ એસ બુટોલા અને અમેરિકી સરકારના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.અપાચે ગાર્ડિયન મલ્ટિરોલ ફાઈટર હેલિકોપ્ટર છે. તેમ જ 300 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ ઉડી શકે છે. આ હેલિકોપ્ટરમાં બે હાઈ પરફોર્મન્સીસ એન્જીન લાગેલાં હોય છે.હેલિકોપ્ટરમાં લેઝર, ઇન્ફ્રારેડ અને નાઇટ વિઝન સીસ્ટમ પણ લગાવાયાં છે. જે અંધારામાં પણ દુશ્મનને ટાર્ગેટ કરી ચોક્કસ હુમલો કરી શકે છે.અપાચે હેલિકોપ્ટરમાં અત્યાધુનિક મિસાઈલ ફાયર કરી શકાય છે. તેમ જ અલગઅલગ પ્રકારના દારુગોળા ફેંકવામાં પણ આ હેલિકોપ્ટર સક્ષમ છે. વળી દુશ્મનોને નજરે ચડ્યાં વિના ટાર્ગેટ લોકેશન નેસ્તનાબૂદ કરી શકે છે. 21,000 ફૂટ ઊંચે ઉડી શકતું આ હેલિકોપ્ટર એકવારના ઇંધણમાં 476 કિલોમીટર કાપી શકે છે.આ અત્યાધુનિક સંરક્ષણ હેલિકોપ્ટર જોડાવાથી ભારતીય સેનાની હેલિકોપ્ટર વિંગની શક્તિમાં મોટો વધારો થઇ રહ્યો છે. એરફોર્સમાં અપાચેની બે વિંગ તૈયાર કરવામાં આવશે. એક સ્વોડ્રનને પઠાણકોટ એરબેઝમાં લાવવામાં આવશે અને બીજીને જોરહાટમાં તહેનાત કરવામાં આવશે.