‘ફોની‘થી ફનાફાતીયા ઓડિશામાં નુકસાનીની હકીકતો-આંકડા ભયાવહ છે…

પુરી- જ્યારે ચક્રવાતી તોફાન ફોની પુરીમાં 3 મે ના રોજ તબાહી મચાવી રહ્યું હતું, ત્યારે પી ચિત્તમાનો આખો પરિવાર એક બાથરૂમમાં છુપાયો હતો. ચિત્તમા બહાર જ રહી ગઈ હતી. તેમના ઘરની છત તોફાનનું જોર સહન ન કરી શકી અને તેનો એક ટુકડો ચિત્તમાના પગ પર પડયો. પગમાં લોહી અને અસહ્ય દુખાવો છતાં ચિત્તમા કોઈ પણ રીતે બાથરૂમ સુધી પહોંચી અને બચવામાં સફળ રહી. કેટલાક કલાકો પછી તોફાન શાંત પડતા ચિત્તમાને હોસ્પિટલમાં લઈ જવામાં આવી. ડોક્ટરોએ કહ્યું કે, ચિત્તમા નસીબદાર છે કે, તેમનો માત્ર પગ જ તૂટ્યો. એક મહિનામાં તે ચાલવા લાગશે. જો કે, તેમના પરિવારને વહાણનું સમારકામ કરવામાં અને પરત દરિયો ખેડવામાં હજુ સમય લાગશે. ફોનીના કહેર બાદ ઓડિશામાં આ પ્રકારના અનેક કિસ્સાઓ સાંભળવા મળી રહ્યાં છે.

41 લોકોના મોત, 1.5 કરોડ લોકો પ્રભાવિત  

ફોની વાવાઝોડાનો કુશળતાપૂર્વક સામનો કરવા બદલ ઓડિશા સરકારના ભારત ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ ખૂબ વખાણ થયાં. જો કે, હવે ધીમે ધીમે નુકસાનનું અનુમાન લગાવવામાં આવી રહ્યું ત્યારે ચિંતાજનક આંકડાઓ સામે આવી રહ્યાં છે. રાજ્યમાં વાવાઝોડાને કારણે 41 લોકોના મોત થયાં છે. 14 જિલ્લામાં 1.5 કરોડથી વધુ લોકો પ્રભાવિત થયાં છે. રાજધાની ભુવનેશ્વર અને પુરી જિલ્લામાં વીજળી નથી અને ભોજનનો પુરવઠો પણ પર્યાપ્ત નથી. કેટલીક જગ્યાઓ પરથી ભોજનની ચોરી થઈ હોવાના પણ અહેવાલ મળી રહ્યાં છે.

50,000 કરોડના નુકસાનનું અનુમાન

અંદાજે 5 લાખ મકાનો, 34 લાખ પશુઓ અને 6,700 હોસ્પિટલોને નુકસાન થયું છે. સરકારી અનુમાન મુજબ ફોની વાવાઝોડાને કારણે અંદાજીત 50,000 કરોડના નુકસાનની સંભાવના છે. ભુવનેશ્વરના હવામાન વિભાગના પૂર્વ નિદેશક શરતચંદ્ર શાહુના જણાવ્યા અનુસાર પુરીથી 60 કિલોમીટર દૂર આવેલા ભુવનેશ્વરમાં આટલું મોટો નુકસાન થશે તેનો અંદાજો પણ ન લગાવી શકાય. તોફન દરમિયાન 200 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાવાને કારણે નુકસાનની ટકાવારી વધી ગઈ છે.

ઓડિશાના બે ઈકોલોજિકલ હોટસ્પોટ્સ ચિલિકા તળાવ અને બાલુખંડ-કોર્ણાક અભયારણ્યને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ચિલિકા તળાવ એશિયાનુ સૌથી મોટું ખારા પાણીનું તળાવ છે. જેથી એવી આશંકા છે કે દરિયાનું પાણી તળાવમાં જવાથી આ તળાવ વધુ સેલીન થઈ જશે. જેથી વન્યજીવન પર અસર પડશે. બાલૂખંડ-કોર્ણાક અભયારણ્યમાં હજારોની સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયાં છે.

ઓડિશાના સ્પેશિયલ રિલીફ કમિશ્નર વિષ્ણુપદ સેઠીએ માન્યું કે, રાજ્યને પોતાને પગ પર પરત ઊભા રહેતાં ઘણાં વર્ષોનો સમય લાગી શકે છે. એક દાયકા જેટલો સમય લાગી શકે છે. લોકોના જીવન પાટા પર લાવવા પ્રાથમિકતા છે. અનેક જગ્યાઓ સાથે સંપર્ક તૂટી ગયો છે, જેથી નુકસાનની પૂરી જાણકારી મેળવવામાં સમય લાગશે.

સરકારે હાલમાં અંદાજે 80,000 કિમી લો ટેન્શન પાવર લાઈન અને 64000 ટ્રાન્સફોર્મર્સના સમારકામની કામગીરીમાં હાથ ધરી છે. ઓડિશાના કેન્દ્ર ભુવનેશ્વર, કટક અને પુરીમાં ફરીથી જનજીવન વ્યવસ્થિત કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે, કટક અને ભુવનેશ્વરમાં આગામી સપ્તાહે વીજળી શરુ થઈ જશે પરંતુ સમગ્ર જિલ્લામાં વીજળી પુન:શરુ થવામાં એક મહિના જેટલો સમય લાગી શકે છે.

 રેલવે સ્ટેશન પર ફોન ચાર્જ કરનારાઓની લાગી લાઈનો

ભુવનેશ્વરના રેલવે સ્ટેશન પર લોકોની મોટી લાઈનો લાગી છે. શહેરના કેટલાક વિસ્તારોમાં વીજળી ચાલુ છે, તેમાં ભુવનેશ્વર રેલવે સ્ટેશનનો પણ સમાવેશ થાય છે. દિલચસ્પ વાત એ છે કે, અહીં લોકો ટ્રેન પકડવા નહીં પરંતુ પોતાના ફોન ચાર્જિગ કરવા માટે આવી રહ્યા છે. ચાર્જિગ પોર્ટ્સ પૂર્ણ થયા બાદ લોકો એક્સટેન્શન રોડ લઈને આખી રાત ફોન ચાર્જ કરવામાં અથવા તો તેમના નંબરની રાહ જોવામાં કાઢી રહ્યાં છે. અહીં પેકેજ્ડ પાણી પણ મળી રહ્યું છે જેથી લોકોને રાહત મળી રહી છે.

સૂચના અને જન સંપર્ક સચિવ સંજય સિંહે કહ્યું કે, પુરી, કટક અને ભુવનેશ્વરમાં પાણીનો પુરવઠો શરુ થઈ ગયો છે. જો કે, લોકોનું કહેવું છે કે, આ પાણી પીવાલાયક નથી. પુરીના ગામડાઓમાં અસંખ્ય લોકો ઘર વિહોણા થઈ ગયાં છે. ખાવાની અછત, એટીએમમો ખાલી ખમ છે. ઓડિશાના ડીજીપી રાજેન્દ્ર પ્રસાદ શર્માએ કહ્યું કે, પોલીસ કેટલાક વિસ્તારોમાં બચાવ કામગીરી માટે જતી ગાડીઓની સાથે જઈ રહી છે. પુરીના સત્યાબદી વિસ્તારમાંથી બચાવકામગીરીની ગાડીમાંથી સામાન ચોરી કરવાની કોશિશ બાદ આ પગલું લેવામાં આવ્યું છે.

 

 ઈવીએમ મશીનની સુરક્ષા પણ એક પડકાર

પુરીની 239 બેંકોની શાખાઓમાંથી 60 અને 273 એટીએમમાંથી માત્ર 20 મશીનો કાર્યરત છે. ચૂંટણીનો સમય હોવાથી ઈવીએમ મશીનની સુરક્ષા કરવી પણ એક મોટો પડકાર છે. પોલીસ ડીઝલથી ચાલતા જનરેટરોની મદદથી પુરના સ્ટ્રોન્ગ રૂમમાં વીજળી પૂરી પાડી રહી છે. આ સ્ટ્રોન્ગ રૂમમાં ઈવીએમ મશીનો રાખવામાં આવ્યાં છે. અહી ગત 23 એપ્રિલના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.