તૂટશે ચંદ્રાબાબુનો આલીશાન બંગલો, CM જગન મોહન રેડ્ડીનો આદેશ…

નવી દિલ્હીઃ આંધ્ર પ્રદેશના મુખ્યપ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડીએ પ્રજા વેદિકા બિલ્ડિંગને તોડવાનો આદેશ આપ્યો છે. આવતીકાલથી આ બિલ્ડિંગને તોડવાનું કામ શરુ થઈ જશે. અત્યારે પ્રજા વેદિકામાં જ ચંદ્રાબાબુ નાયડુ રહે છે. ગત દિવસોમાં ચંદ્રાબાબુ નાયડુએ જગનમોહન રેડ્ડીને પત્ર લખીને પ્રજા વેદિકાને નેતા પ્રતિપક્ષનો સરકારી આવાસ જાહેર કરવાની માગ કરી હતી.

(ફાઈલ તસવીર)

વાઈએસઆર કોંગ્રેસ પાર્ટીની સરકારે શનિવારના રોજ એન. ચંદ્રાબાબુ નાયડૂના અમરાવતી સ્થિત આવાસ પ્રજા વેદિકાને પોતાના કબજામાં લઈ લીધો હતો. તેલુગૂ દેશમ પાર્ટીએ આને બદલાની કાર્યવાહી ગણાવી. વિપક્ષે આરોપ લગાવ્યો કે સરકારે પૂર્વ મુખ્યપ્રધાન પ્રત્યે કોઈ સદભાવના દર્શાવી નથી.

(ફાઈલ તસવીર)

ચંદ્રાબાબુ નાયડૂ તે સમયથી કૃષ્ણા નદીના કિનારે ઉદાવલ્લી સ્થિત આ આવાસમાં રહી રહ્યાં છે, જ્યારથી આંધ્ર પ્રદેશે પોતાનું પ્રશાસન હૈદરાબાદથી અમરાવતી શિફ્ટ કર્યું હતું. હૈદરાબાદ હવે તેલંગાણાની રાજધાની બની ગયું છે. પ્રજા વેદિકાનું નિર્માણ સરકારે આંધ્ર પ્રદેશની રાજધાની ક્ષેત્ર વિકાસ પ્રાધિકરણ દ્વારા તત્કાલીન મુખ્યપ્રધાન આવાસરુપે કર્યું હતું. પાંચ કરોડ રુપિયામાં બનેલા આ આવાસનો ઉપયોગ નાયડૂ અધિકારિક કાર્યો સાથે પાર્ટીની બેઠકો માટે કરતાં હતાં.

નાયડૂએ આ મહિનાની શરુઆતમાં મુખ્યપ્રધાન વાય.એસ.જગન મોહન રેડ્ડીને પત્ર લખીને આ ઢાંચાનો ઉપયોગ બેઠકો માટે કરવા દેવા માટે મંજૂરી માગી હતી. તેમણે સરકારને આગ્રહ કર્યો હતો કે તે આને નેતા પ્રતિપક્ષનો આવાસ જાહેર કરી દે પરંતુ સરકારે પ્રજા વેદિકાને કબજામાં લેવાનો શુક્રવારે નિર્ણય કર્યો અને જાહેરાત કરી કે કલેક્ટરોનું સમ્મેલન ત્યાં થશે. પહેલા આ સંમેલન રાજ્ય સચિવાલયમાં થવાનું નક્કી હતું. નાયડૂ અત્યારે પરિવારના સભ્યો સાથે વિદેશમાં રજા ગાળી રહ્યાં છે.

(ફાઈલ તસવીર)

ટીડીપી નેતા અને વિધાન પરિષદના સભ્ય અશોક બાબૂએ કહ્યું કે સરકારી કર્મચારીઓએ નાયડૂના ઘરના સામાનને બહાર ફેંકી દીધો. તેમણે આરોપ લગાવ્યો કે પરિસરને કબજામાં લેવાના સરકારના નિર્ણય મામલે પાર્ટીને જણાવ્યું સુદ્ધા નહોતું.