મુલાયમે મને તાજ કોરિડોરમાં ફસાવી, એસપી સાથે ગઠબંધન મોટી ભૂલ: માયાવતી

લખનઉ- લોકસભા ચૂંટણી પરિણામો પછી બહુજન સમાજ પાર્ટી (બીએસપી) અને સમાજવાદી પાર્ટી (એસપી) વચ્ચે રાજકીય તણાવ વધી રહ્યો છે. લોકસભા ચૂંટણીમાં ધાર્યા પરિણામો નહીં મળતાં માયાવતીએ પાછાં જૂના અંદાજમાં એસપી પર નિશાન તાક્યું હતું અને યૂપીમાં યોજાનાર વિધાનસભા પેટાચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કરી હવે ફરી એક વખત બીએસપી ચીફે સમાજવાદી પાર્ટી અને મુલાયમસિંહ પર શાબ્દિક હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે, એસપી સાથે ગઠબંધન મોટી ભૂલ હતી, જે પરિણામો ધાર્યા હતાં તે એસપીની નબળાઈને લીધે આવ્યાં ન હતાં. અને ચૂંટણી પરિણામો પછી અખિલેશે મને ફોન પણ નથી કર્યો.

માયાવતીએ રવિવારે બહુજન સમાજ પાર્ટીના ધારાસભ્યો, સાંસદો અને વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરી આ દરમિયાન 25 મિનિટ સુધી તેમણે સમાજવાદી પાર્ટીની સાથે થયેલા ગઠબંધન અને તેમના પરિણામો અંગે વાતચીત કરી. સૂત્રોના જણાવ્યા અનુસાર માયાવતીએ સ્પષ્ટતા કરી કે, એસપીની સાથે ગઠબંધનનો નિર્ણય ઉતાવળમાં નહીં પરંતુ વિચારીને લીધો હતો. પરંતુ આ નિર્ણયથી જે પરિણામો આવવા જોઈએ એ નથી આવ્યાં.

માયાવતીએ કહ્યું કે, અખિલેશ યાદવ ગઠબંધન માટે સંપૂર્ણ રીતે અપરિપક્વ છે. ચૂંટણી પછી ઘણાં સમય સુધી હું રાહ જોતી રહી કે, તે આવશે અને વાતચીત કરશે પરંતુ તે ન આવ્યાં. આ સ્થિતિમાં એસપી સાથે હવે ગઠબંધન નહીં રાખી શકાય. એસપી તરફથી જે મદદ જોઈતી હતી તે મળી નથી. મે અખિલેશ યાદવને ઘણી વખત આના માટે ચેતવ્યા પણ હતાં પણ તે ન સમજી શક્યાં અને આંતરિક વિરોધ થતો રહ્યો.

લોકોમાં એવુ ફેલાવવામાં આવી રહ્યું છે કે, અમારાં 10 સાંસદો એસપીની મદદથી જીત્યાં, પરંતુ હકીકત એ નથી. જો આ સાચું હોય તો યાદવ પરિવારના લોકો જ કેમ ચૂંટણી હારી ગયાં? અખિલેશ કેમ ડિમ્પલને પણ ન જીતાડી શક્યાં?

મુલાયમે મને તાજ કોરિડોરમા ફસાવી

માયાવતીએ કહ્યું કે, મને તાજ કોરિડોર કેસમાં ફસાવવામાં માત્ર ભાજપ જ નહીં પરંતુ મુલાયમસિંહ યાદવનો પણ રોલ હતો. આ બધું ભૂલીને પણ હું મુલાયમસિંહ માટે વોટ માગવા ગઈ હતી, પરંતુ અખિલેશે આની કદર પણ ન કરી. અખિલેશે ચૂંટણી પછી મને ફોન પણ નથી કર્યો.

દિલ્હીની મીટિંગમાં મે ગઠબંધન તોડવાની વાત કરી તો પણ અખિલેશનો કોઈ ફોન નથી આવ્યો. માયાવતીએ બેઠકમાં બીએસપી કાર્યકર્તાઓને કોઈ પણ મુદ્દા પર ધરણાં-પ્રદર્શન ન કરવાના નિર્દેશ આપ્યો છે.

માયાવતીએ કહ્યું કે અમે એસપીથી અલગ થઈને પેટાચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. પેટાચૂંટણીના પરિણામો જ બીએસપીની તાકાત સાબિત કરી દેશે. અખિલેશ યાદવે પ્રમોશનમાં આરક્ષણનો વિરોધ કર્યો હતો, જેથી મોટાભાગના દલિતો તેમનાથી નારાજ છે. અખિલેશે સતીશચંદ્ર મિશ્ર દ્વારા મને સંદેશો મોકલાવ્યો હતો કે, મુસલમાનોને ટિકિટ ન આપું, કારણ કે, આનાથી પોલરાઈજેશન થશે પરંતુ મે એવું ન કર્યું.

માયાવતીએ એસપી પર આરોપ લગાવ્યો કે, તેમની વોટ બેંકનો ફાયદો બીએસપીને ન થયો. એસપીના વોટ ભાજપમાં ગયાં. માયાવતીએ કહ્યું કે, બીએસપીના પ્રદેશ અધ્યક્ષ આરએસ કુશવાહાને સલેમપુર બેઠક પર એસપીના ધારાસભ્ય દળના નેતા રામ ગોવિંદ ચૌધરીએ હરાવ્યાં હતાં.તેમણે એસપીના મત બીજેપીને ટ્રાન્સફર કરાવ્યાં. અખિલેશ બઘુ જાણતાં હોવા છતાં ચૂપ રહ્યા. બીસપીને પેટાચૂંટણીમાં મોટાભાગની બેઠકો પર જીત મેળવવી છે, જેથી અમે એ દર્શાવી શકીએ કે અમારા જે ઉમેદવારો લોકસભા પહોંચ્યાં છે, તેમની પાછળ એસપી નહીં પરંતુ બીએસપીના કેડરની મજબૂતી હતી.