અમૃતસર – પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહે આજે જાહેરાત કરી છે કે રવિવારે અમૃતસર જિલ્લાના રાજાસાંસીમાં નિરંકારી ભવનમાં ગ્રેનેડ હુમલો કરનાર શખ્સોની ધરપકડ કરવા તરફ દોરી જાય એવી માહિતી આપનારને રાજ્ય સરકાર તરફથી રૂ. 50 લાખનું રોકડ ઈનામ આપવામાં આવશે.
રવિવારે સવારે નિરંકારી ભવનમાં નિરંકારી સંપ્રદાયના અનુયાયીઓ એમના સાપ્તાહિક ધાર્મિક સંમેલન માટે એકત્ર થયા હતા ત્યારે બે અજાણ્યા શખ્સે બોમ્બ ફેંક્યો હતો. એ હુમલામાં ત્રણ જણ માર્યા ગયા હતા અને બીજાં 15 જણને ઈજા થઈ છે.
હુમલાખોરો મોટરસાઈકલ પર આવ્યા હતા અને બોમ્બ ફેંકીને ભાગી ગયા હતા.
અમરિન્દર સિંહના મિડિયા સલાહકારે જણાવ્યું છે કે શકમંદો વિશેની માહિતી પોલીસ હેલ્પલાઈન નંબર 181 પર આપી શકાશે. માહિતી આપનારાઓની ઓળખ ખાનગી રાખવામાં આવશે.
બે શકમંદ સીસીટીવીમાં દેખાયા
દરમિયાન, નિરંકારી ભવનમાં કરાયેલા ધડાકામાં સંડોવાયેલા બે શકમંદ સીસીટીવીમાં ઝડપાઈ ગયા છે.
બંને શકમંદ રવિવારે જ્યાં બનાવ બન્યો હતો એ સંકુલની નજીક એક બાઈક પર જતા સીસીટીવીમાં જોઈ શકાય છે.
પોલીસે બાઈકને ઓળખી કાઢ્યું છે અને અમુક લોકોને પૂછપરછ માટે અટકાયતમાં લીધા છે.