નવી દિલ્હીઃ કોલકત્તાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં વિપક્ષના શક્તિ પ્રદર્શન બાદ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તૃણમૂલ કોંગ્રેસના મુખિયા અને મુખ્યપ્રધાન મમતા બેનર્જીના ગઢમાં દસ્તક દેવા જઈ રહ્યા છે. ગત કેટલાક સમયથી બીજેપી પશ્ચિમ બંગાળમાં અત્યંત આક્રામક રહી છે અને ખુદને મુખ્ય વિપક્ષી દળ તરીકે રાજ્યમાં સ્થાપિત કર્યું છે. હકીકતમાં આગામી કોલસભા ચૂંટણીને લઈને બીજેપીએ પોતાની જીત સુનિશ્ચિત કરવા માટે જે યોજના બનાવી છે તેમાં દેશના પૂર્વોત્તર ભાગના રાજ્યોની ભૂમિકા મહત્વપૂર્ણ છે. રાજનૈતિક વિમર્શોમાં બીજેપીના આ અભિયાનને લુક-ઈસ્ટ રણનીતિ કહેવામાં આવી રહ્યું છે.
વર્ષ 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન બીજેપીની રણનીતિમાં ઉત્તર ભારત પ્રમુખતાથી હતું અને વારાણસી કેન્દ્ર હતું. આ ચૂંટણીમાં બીજેપીએ ઉત્તર અને પશ્ચિમ ભારતથી સૌથી વધારે સીટો પ્રાપ્ત કરી હતી. પરંતુ 2019માં બદલાયેલા રાજકીય સમીકરણોમાં બીજેપી પોતાની રણનીતિ બદલી રહી હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે. ત્યારે હવે પાર્ટીએ પોતાનું ધ્યાન પૂર્વી અને પૂર્વોત્તર રાજ્યો પર કેન્દ્રીત કર્યું છે. જો કે ઉત્તર ભારત અથવા હિંદી પટ્ટી રાજ્યોથી હજી પણ બીજેપીને સૌથી વધારે સાંસદોને જીતાડવાની આશાઓ છે. પરંતુ 2014માં પોતાના પ્રદર્શનની ચરમસીમાએ પહોંચનારી બીજેપી જાણે છે કે 2019માં આ પ્રદર્શનને રીપીટ કરવું મુશ્કેલ છે.
લોકસભા ચૂંટણીમાં હાર બાદ એક બાદ એક ઘણા રાજ્યોમાં હારી ચૂકેલી કોંગ્રેસ પાર્ટીએ ગત એક વર્ષમાં જોરદાર કમબેક કર્યું છે. આનું તાજેતરનું ઉદાહરણ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તિસગઢની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત છે. સીટોની દ્રષ્ટીએ મોટા ગણાતા ઉત્તર પ્રદેશમાં બે મોટા ક્ષેત્રીય દળ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધનની જાહેરાત બાદ બીજેપી માટે રાજનૈતિક સ્થિતી થોડી મુશ્કેલી ભરી બની છે. સૌથી મહત્વની વાત એ છે કે મહારાષ્ટ્રમાં બીજેપીની સહયોગી પાર્ટી શિવસેના સતત બીજેપીનો વિરોધ કરી રહી છે તો ગુજરાતમાં કોંગ્રેસ છેલ્લા બે દશકમાં મજબૂત સ્થિતીમાં ઉભી થઈ છે. એટલે કે અહીંયા પણ બીજેપીને પોતાના વર્ષ 2014ની લોકસભા ચૂંટણી જેવા પ્રદર્શનને રિપીટ કરવું મુશ્કેલ દેખાઈ રહ્યું છે.
દક્ષિણ ભારતની વાત કરીએ તો ગત ચૂંટણીમાં ટીડીપી સાથે ગઠબંધનમાં ચૂંટણી લડેલી બીજેપીને ગૈર વિભાજિત આંધ્ર પ્રદેશમાં ગઠબંધનનો ફાયદો મળ્યો હતો. પરંતુ હવે ટીડીપી બીજેપી સાથે નથી. તેલંગાણા અને તમિલનાડુમાં બીજેપી હજી સુધી પોતાની કોઈ જગ્યા બનાવી શકી નથી. બીજેપીએ થોડી-ઘણી પકડ કેરળમાં જરુર મજબૂત કરી છે અને અહીંયા પાર્ટી 1-2 સીટ જીતવાની આશાઓ રાખી શકે છે. એટલે કે દક્ષિણ ભારતમાં કુલ મળીને કર્ણાટક જ એવું રાજ્ય છે જ્યાં બીજેપીની પકડ મજબૂત છે પરંતુ અહીંયા પણ પાર્ટીનો મુકાબલો એકજુટ કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન સાથે થવાનો છે.
દેશનો એ ભાગ કે જ્યાંથી બીજેપી ઉત્તર અને પશ્ચિમ ભારતમાં થનારા સંભવિત નુકસાનની ભરપાઈ કરી શકે છે તે પૂર્વી અને પૂર્વોત્તર ભારત જ છે. પૂર્વી ભારતમાં પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર અને ઝારખંડની ભેગી કરીએ તો કુલ 117 સીટો છે. ગત લોકસભા ચૂંટણીમાં એનડીએએ આમાંથી 46 સીટો પર પોતાની જીત પ્રાપ્ત કરી હતી જેમાંથી બીજેપીની 37 સીટો હતી. પરંતુ આ પૈકી મોટાભાગની સીટો બિહાર અને ઝારખંડથી હતી. જ્યારે પશ્ચિમ બંગાળ અને ઓડિશાની 63 સીટો પૈકી બીજેપી/એનડીએ માત્ર ત્રણ સીટો જીતવામાં સફળ રહી હતી.
બિહારની વાત કરીએ તો ગત ચૂંટણીમાં બીજેપીએ અહીંયા 22 સીટો જીતી હતી જ્યારે એનડીએનો આંકડો 31 હતો. વર્ષ 2014માં બિહારમાં ત્રિકોણીય મુકાબલો હતો. પરંતુ 2019 પહેલા યૂપીએનું વર્તુળ વધ્યું છે. અને એનડીએની સાથી પાર્ટી આરએલએસપી યૂપીએમાં જોડાઈ છે. એટલે કે આગામી લોકસભા ચૂંટણીમાં મુકાબલો ત્રિકોણીય થવાની જગ્યાએ યૂપીએ અને એનડીએ વચ્ચે સીધી ટક્કરનો છે. ઝારખંડની 14 સીટોમાં બીજેપીનો 12 સીટો પર કબ્જો છે અને રાજ્યમાં બીજેપીની સરકાર છે. રાજ્ય બન્યા બાદ આ પહેલી સરકાર હશે જે ભ્રષ્ટાચારના આરોપો વગર પોતાનો કાર્યકાળ પૂર્ણ કરશે. એટલે કે બીજેપી અહીંયા પોતાની સ્થિતી મજબૂત જ રાખવા ઈચ્છશે.
પશ્ચિમ બંગાળની વાત કરીએ તો આ એક એવું રાજ્ય છે કે જ્યાંથી બીજેપીને સૌથી વધારે આશાઓ છે. બીજેપી છેલ્લા કેટલાક વર્ષોથી અહીંયાની રાજનીતિમાં આક્રામક રહી છે અને કોંગ્રેસ તેમજ સીપીએમને પાછળ છોડતા અહીંયાના જનમાનસમાં મુખ્ય વિપક્ષી દળની છબી બનાવવામાં સફળ રહી છે. મિશન 2019 અંતર્ગત બીજેપી અધ્યક્ષ અમિત શાહે અહીંયાની 42 સીટો પૈકી 22 સીટો પર જીતનું લક્ષ્ય રાખ્યું છે. ઘણા રાજનૈતિક વિશ્લેષકોનું માનવું છે કે અસમમાં બીજેપી માટે જે કામ હેમંત બિસ્વ શર્માએ કર્યું છે બીલકુલ એવું જ કામ ટીએમસી છોડીને બીજેપીમાં જોડાયેલા મુકુલ રાય પશ્ચિમ બંગાળમાં કરી શકે છે. ગત લોકસભા, વિધાનસભા અને સ્થાનીક ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં બીજેપીનો ગ્રાફ તેજીથી આગળ વધ્યો છે.
બંગાળ બાદ ઓડિશાની વાત કરીએ તો અહીંયાની 21 સીટો પૈકી 20 પર બીજેડી છે અને માત્ર એક સીટ જ ભાજપ પાસે છે. 2019ની ચૂંટણી ગત 19 વર્ષમાં પ્રથમ એવી તક હશે કે જ્યારે બીજેડી વિરુદ્ધ સત્તા વિરોધી માહોલ બન્યો છે. રાજ્યમાં હવે એ પ્રકારની ચર્ચા થઈ રહી છે કે લાંબા સમયથી રાજ કરવાને લઈને દરેક સ્તર પર ભ્રષ્ટાચાર વધ્યો છે. જ્યારે બીજેડીના કેટલાક મોટા નેતાઓ પાર્ટી છોડી ચૂક્યા છે. ઓડિશામાં લાંબા સમય સુધી રાજ કરનારી કોંગ્રેસની ગણતરી હવે ત્રીજા સ્થાનની પાર્ટી તરીકે કરવામાં આવે છે. ત્યારે આવામાં બીજેપી માટે ઓડિશામાં વિસ્તારની સૌથી સારી તક આ જ છે. બીજેપીએ છેલ્લા કેટલાક વર્ષોમાં ઓડિશામાં પોતાને સ્થાપિત કરવા માટે ખૂબ મહેનત કરી છે. વડાપ્રધાન મોદી અત્યાર સુધીમાં કુલ ચાર વાર રાજ્યનો પ્રવાસ કરી ચૂક્યા છે.
તો અત્યારે એ પ્રકારની ચર્ચાનું જોર છે કે વડાપ્રધાન મોદી લોકસભા ચૂંટણી ઓડિશાની ધાર્મિક રાજધાની પૂરીથી લડી શકે છે. બીજેપીના નેતાઓનું માનવું છે કે આનો પ્રભાવ ઓડિશા સાથે જોડાયેલા રાજ્યો પર એવી જ રીતે પડશે કે જેવી રીતે ઉત્તર પ્રદેશના વારાણસીથી ચૂંટણી લડવા પર 2014માં પડ્યો હતો.
પૂર્વીય ભારત બાદ વાત આવે છે પૂર્વોત્તર ભારતની. કેટલાક વર્ષ પહેલા સુધી આ આખો વિસ્તાર ત્રિપુરાને છોડીને કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો જ્યારે ત્રિપુરા વામ દળોનો કિલ્લો હતો. પરંતુ છેલ્લા 4 વર્ષમાં બીજેપી આ ક્ષેત્રમાં આકરી મહેનત દ્વારા કોંગ્રેસ અને વામ દળોનો ઉખાડી ફેંકવામાં સફળ રહી છે. પૂર્વોત્તરના 8 રાજ્યોમાં કુલ મળીને 25 સીટો છે જેમાં સૌથી વધારે 13 સીટો અસમમાં છે તો અહીંયાના ક્ષેત્રીય દળોને સાધવા માટે કોંગ્રેસના કદાવર નેતા રહેલા હેમંત બિસ્વ શર્માના નેતૃત્વમાં એનડીએની તર્જ પર નોર્થ ઈસ્ટ ડેમોક્રેટિક અલાયંસ બનાવ્યું છે. માનવામાં આવે છે કે પૂર્વોત્તરમાં બીજેપીના વિસ્તારમાં આની મહત્વપૂર્ણ ભૂમિકા છે. કેન્દ્રની મોદી સરકાર પૂર્વોત્તરમાં વિકાસ માટે કેટલાક મહત્વપૂર્ણ પગલા ભર્યા છે. ત્યારે તેનો ફાયદો પણ બીજેપીને થઈ શકે છે.
ત્યારે આ દ્રષ્ટીથી જો પૂર્વ અને પૂર્વોત્તર ભારતની 142 સીટો પર બીજેપીની લુક-ઈસ્ટ રણનીતિ સફળ રહી તો આનાથી તે દેશના અન્ય ભાગોમાં થનારા નુકસાનની ભરપાઈ થઈ શકે છે. તો બીજીતરફ વર્ષ 2019ના પરિણામો આવ્યા બાદ જો કેટલાક દળો એનડીએનો ભાગ બને તો તેને બહુમતનો જાદુઈ આંકડો પ્રાપ્ત કરવામાં સરળતા રહેશે.