સીબીઆઈના વચગાળાના ડાયરેક્ટર નાગેશ્વર રાવે 20 અધિકારીઓને ટ્રાન્સફર કર્યા

નવી દિલ્હી – કેન્દ્રીય તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ના વચગાળાના ડાયરેક્ટર નાગેશ્વર રાવે સંસ્થામાં કરેલાં મોટાં ફેરફારોમાં 20 અધિકારીઓની બદલી કરી નાખી છે. આમાં 2G કૌભાંડ કેસના તપાસનીશ અધિકારી વિવેક પ્રિયદર્શીનો પણ સમાવેશ થાય છે.

ટ્રાન્સફર ઓર્ડરમાં જોકે જણાવાયું છે કે જે અધિકારીઓને બંધારણીય અદાલતો દ્વારા કેસની તપાસ સોંપવામાં આવી હોય એમણે એમની બદલી કરાઈ હોવા છતાં એ કેસોની તપાસ ચાલુ રાખવી.

પ્રિયદર્શીનું પોસ્ટિંગ દિલ્હીમાં એન્ટી-કરપ્શન બ્રાન્ચમાં કરવામાં આવ્યું હતું, પણ એમને હવે ચંડીગઢ ટ્રાન્સફર કરી દેવાયા છે.

તામિલનાડુમાં જેમાં 13 જણ માર્યા ગયા હતા તે સ્ટરલાઈટ-વિરોધી દેખાવો દરમિયાન કરાયેલા ગોળીબારની ઘટનાની તપાસ કરનાર અધિકારી એ. સરવનનને મુંબઈમાં બેન્કિંગ, સિક્યુરિટીઝ અને છેતરપીંડી વિભાગમાં ટ્રાન્સફર કરી દેવાયા છે. આ વિભાગ હીરાના વેપારીઓ નીરવ મોદી અને મેહુલ ચોક્સી સામે લોન ડીફોલ્ટ કેસોમાં તપાસ કરે છે.

સીબીઆઈના વચગાળાના ડાયરેક્ટર તરીકે નાગેશ્વર રાવની કરાયેલી નિમણૂકને જાણીતા ચળવળકાર અને સુપ્રીમ કોર્ટના લૉયર પ્રશાંત ભૂષણે પડકારી છે. એની સુનાવણી 24 જાન્યુઆરીએ કરાશે. ભૂષણે આ નિર્ણયને આપખુદભર્યો ગણાવ્યો છે અને કહ્યું છે કે રાવની નિમણૂક વડા પ્રધાન મોદી, દેશના સૌથી મોટા વિરોધ પક્ષના નેતા અને દેશના ચીફ જસ્ટિસ અથવા એમના દ્વારા પોતાના પ્રતિનિધિ તરીકે નિયુક્ત સુપ્રીમ કોર્ટના જજની બનેલી ઉચ્ચ સ્તરીય પસંદગી સમિતિની ભલામણ અનુસાર કરવામાં આવી નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]