નવી દિલ્હીઃ કોરોના વાઈરસ મહામારીની અસર આ વર્ષે અમરનાથ યાત્રા પર પણ પડે તેવી શક્યતા છે. આ વર્ષે અમરનાથ યાત્રા ટૂંકાવીને માત્ર 15 દિવસની કરવામાં આવી શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અગાઉ યાત્રા ટાળવાને લઈ વાત કરવામાં આવી હતી. મહત્વનું છે કે, બાબા બર્ફાનીની પવિત્ર ગુફા સમુદ્રતટથી 3880 મીટરની ઉંચાઈ પર દક્ષિણ કાશ્મીરની પહાડીઓ પર સ્થિત છે. આ વર્ષે યાત્રા બાલટાલ રૂટથી થાય તેવી શક્યતા છે જે ટૂંકો રૂટ છે. અમરનાથ ગુફા સુધી પહોંચવા માટે બે રસ્તા છે જેમાંથી પહેલો રસ્તો બાલટાલ દ્વારા જ્યારે બીજો રસ્તો પહલગામથી થઈને જાય છે.
સૂત્રોનું કહેવું છે કે યાત્રા ટૂંકાવવાનો નિર્ણય ગુરુવારે જમ્મુ-કાશ્મીરના એલજી જીસી મુર્મૂ તરફથી આયોજિત એક બેઠકમાં લેવાયો છે. દરમિયાન બેઠકમાં ચીફ સેક્રેટરી બીવીઆર સુબ્રમણ્યમ, અલજીના પ્રિન્સિપલ સેક્રેટરી બિપુલ પાઠક અને ડીજીપી દિલબાગ સિંહ પણ હાજર હતા. બેઠક બાદ ગાંદરબલના ડેપ્યૂટી કમિશનરને બાલટાલ રૂટ ખોલવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. અગાઉ ફેબ્રુઆરી મહિનામાં સરકારે આ વાર્ષિક તીર્થ યાત્રા માટે 42 દિવસની સમયસીમા નક્કી કરી હતી.
અમરનાથ યાત્રા અનંતનાગ જિલ્લાના પહલગામ અને ગાંદરબલ જિલ્લાના બાલટાલ રૂટ પરથી 23 જૂનના રોજ પ્રસ્તાવિત હતી. આ સાથે જ આ યાત્રા 3 ઓગસ્ટે શ્રાવણ પૂર્ણિમા રક્ષાબંધનના દિવસે પૂરી થનાર હતી. ગયા વર્ષે યાત્રા આતંકી હુમલાના ઈન્ટેલિજેન્સ ઈનપુટને જોતાં સમય પહેલા સમાપ્ત કરી દેવામાં આવી હતી.