જમ્મુઃ જમ્મુ શહેરની હોટેલ અને લોજ માલિકોના સંગઠને જાહેરાત કરી છે કે અમરનાથ યાત્રા દરમિયાન જે લોકો જમ્મુમાં એમનાં રોકાણ માટે હોટેલ રૂમનું બુકિંગ એડવાન્સમાં કરાવશે એમને 30 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
AJHLAના પ્રમુખ પવન ગુપ્તાએ કહ્યું છે કે શુભેચ્છા રૂપે અમે એવા યાત્રીઓને 30 ટકા ડિસ્કાઉન્ટ આપવાના છીએ જેઓ અમારે ત્યાંની હોટેલોમાં રૂમ રિઝર્વેશન એડવાન્સમાં કરાવશે. આની પાછળનો અમારો ઉદ્દેશ્ય યાત્રીઓને એમની યાત્રા માટે ટેકો અને સહાયતા પૂરી પાડવાનો છે.
આ વર્ષની અમરનાથ યાત્રા 62-દિવસની હશે. તે 1 જુલાઈથી શરૂ થશે. દક્ષિણ કશ્મીરમાં હિમાલય પર્વતમાળામાં 3,880 મીટરની ઊંચાઈ પર આવેલી બાબા અમરનાથની પવિત્ર ગુફા સુધી પહોંચવા માટે બે રૂટ છે. એક, પરંપરાગત 48 કિ.મી.નો નુનવાન-પહલગામ (અનંતનાગ જિલ્લામાં) અને 14-કિ.મી.નો ટૂંકો પણ ઊંચા ચઢાણવાળો બાલતાલ રૂટ (ગંડેરબાલ જિલ્લામાં). 30 જૂને જમ્મુથી યાત્રીઓના પહેલા જૂથને યાત્રા માટે રવાના કરવામાં આવશે.