ભારતીય હવાઈ દળ આજે ઊજવી રહ્યું છે એનો 87મો સ્થાપના દિવસ

નવી દિલ્હી – ભારતીય હવાઈ દળ આજે તેનો 87મો સ્થાપના દિવસ ઊજવી રહ્યું છે. હવાઈ દળની સ્થાપના 1932ની 8 ઓક્ટોબરે કરવામાં આવી હતી. સ્થાપનાદિન ઉજવણી નિમિત્તે હવાઈ દળે નવી દિલ્હીમાં તેના એર બેઝ ખાતે ગ્રેન્ડ ફ્લાયપાસ્ટ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

ભારતીય હવાઈ દળના વડા એર ચીફ માર્શલ રાકેશકુમાર સિંહ ભદૌરિયાએ આ પ્રસંગે બાલાકોટ એરસ્ટ્રાઈકની યાદ કરી હતી અને કહ્યું કે પાકિસ્તાનસ્થિત બાલાકોટમાં ભારતે કરેલા હવાઈહુમલાનું વ્યૂહાત્મક મહત્ત્વ એ છે કે ત્રાસવાદના સૂત્રધારોને શિક્ષા કરવાનો એ રાજકીય નેતૃત્ત્વનો સંકલ્પ છે.

એર ચીફ માર્શલ ભદૌરિયાએ વધુમાં કહ્યું કે આતંકવાદી હુમલાઓનો સામનો કરવાની સરકારની પદ્ધતિમાં ઘણો ફેરફાર આવ્યો છે.

આજે સવારે, ભારતીય સેનાની ત્રણેય પાંખના વડા – હવાઈ દળના એર ચીફ માર્શલ આર.કે.એસ. ભદૌરિયા, ભૂમિદળના જનરલ બિપીન રાવત અને નૌકાદળના એડમિરલ કરમબીર સિંહે દિલ્હીસ્થિત નેશનલ વોર મેમોરિયલ ખાતે જઈને દેશના શહીદો વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

વડા પ્રધાન મોદીએ વિડિયો સંદેશ દ્વારા આપી શુભેચ્છા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એર ફોર્સ ડે નિમિત્તે દેશના હવાઈ દળના વીર જવાનો અને એમના પરિવારજનો પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરી છે અને કહ્યું કે ભારતીય હવાઈ દળ નિરંતર સમર્પણ અને ઉત્કૃષ્ટતા સાથે દેશની સેવા બજાવવવાનું ચાલુ રાખશે.

મોદીએ આ ટ્વીટ કરવા સાથે ભારતીય હવાઈ દળની અમુક સિદ્ધિઓ દર્શાવતો એક વિડિયો પણ શેર કર્યો છે.