કેવી છે પ્રાચીન ગરબીની આજ? રાજકોટની ગેલેક્સી ગરબીની મુલાકાત

આજે જ્યારે નવરાત્રી તહેવારનો મર્મ બદલાઈ રહ્યો છે ત્યારે આજે પણ ઘણા એવા સ્થળો છે જ્યાં અર્વાચીન સાથે પ્રાચીન સંસ્કૃતિને જાળવી રાખવામાં આવે છે.

આ વર્ષની નવરાત્રી તો હવે સમાપ્ત થઈ છે અને આજે દશેરાનો તહેવાર ઉજવાઈ રહ્યો છે, પણ આ વર્ષે નવરાત્રીમાં ખાસ આકર્ષણમાં રહી રાજકોટની ગેલેક્સી ગરબી. પાંચ દસકાથી પણ વઘારે સમયથી ચાલી આવતી આ ગરબીની એક આગવી ઓળખ છે. પારંપરિક ગરબાની સાથે અર્વાચીન છટાને જોડીને એક નયનરમ્ય નૃત્ય અહીં પ્રસ્તુત કરવામાં આવે છે.

દરરોજ ૧૦ થી ૧૨ જેટલા રાસ અહીં પ્રસ્તુત કરવામાં આવે છે. અને આ દરેક રાસને ગેલેક્સી પરિવારના પ્રોફેશનલ્સ જ તૈયાર કરે છે. જેનું સંગીત પણ તેઓ પોતે જ બનાવે છે. દરરોજ ગેલેક્સી ગરબીની અંદર ૩ વિવિધ શો યોજવામાં આવે છે જેમાં આશરે ૧,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ભાગ લે છે. આ ૧,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને ૨ થી ૩ મહિનાની શિસ્તબદ્ધ તાલીમ આપવામાં આવે છે જેમાં તેમનાં પાંચ કોરિયોગ્રાફરનો મુખ્ય ફાળો રહે છે. હેતલ મકવાણા, વિનસ ઓઝા, જાનકી યાજ્ઞિક, દ્વિશા મંકોડી અને ચાંદની કક્કડ દરેક ઉંમરના વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના રાસ શીખવે છે.

જ્યારે આ કોરિયોગ્રાફર ટીમ સાથે વાત કરવાની તક મળી તો વિનસ ઓઝા પાસેથી જાણવા મળ્યું કે તેઓ કોઈપણ નવો ગરબો ડિઝાઈન કરે તે માટે પહેલા તેને વિઝ્યુલાઈઝ કરે છે. ત્યાર બાદ SNK Studio ના સદસ્યો સાથે બેસી તેઓ તેનું સંગીત બનાવે છે અને જો નવા શબ્દોની જરૂરત પડે તો તે પણ તેઓ સાથે બેસીને જ ડિઝાઈન કરે છે. ત્યાર બાદ ભવ્ય દેખાતા સેટને વિવિધ રાસ પ્રમાણે ડિઝાઈન કરવામાં આવે છે અને તેનું પ્લેસિંગ પણ રાસ મુજબ ૧ થી ૨ મિનિટમાં થઈ જાય તે રીતે બનાવવામાં આવે છે. દરેક વસ્તુ થઈ ગયા બાદ નાના ભૂલકાઓથી લઈને કોલેજના વિદ્યાર્થીઓને શીખવવામાં આવે છે.

ગેલેક્સી ગરબીના ડાકલા ખૂબ જ ઓછા સમયમાં વિશ્વભરમાં ખ્યાતિ પામ્યા છે, ત્યારે તેના કોરિયોગ્રાફર હેતલ મકવાણાએ જણાવ્યું કે સૌપ્રથમ ડાકલા નાની બાળકીઓ સાથે કરવામાં આવ્યા હતાં. જેમાં તેની એનર્જી તેમજ જુસ્સો ધ્યાન ખેંચે એવો નહોતો આવતો, ત્યાર બાદ ૩-વર્ષથી આ ડાકલા કોલેજની વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છે જે લોકોએ ખૂબ પસંદ કર્યા છે. આ ડાકલા શીખવા માટે પણ ઘણી વસ્તુઓનું ધ્યાન રાખવું પડે છે. મુખ્યત્વે સતત ડોકને ચારે દિશામાં હલાવવી પડે છે ઉપરાંત વાળ સતત આગળ રાખવામાં આવે છે, તો ડોકને કેવી રીતે સંભાળીને હલાવવી તે સૌપ્રથમ વિદ્યાર્થીઓને શીખવવામાં આવે છે. ૫૬ વિદ્યાર્થીઓ દ્વારા ભજવાતા આ ડાકલા જોવાની મજા તો દરેક પ્રેક્ષકને આવે છે. તેમની શક્તિ અને ભક્તિ એટલી વિશાળ છે કે દુનિયાના ગમે તે સ્થળે જોનારાને તે મંત્રમુગ્ધ કરી દે છે.(અહેવાલ અને તસવીરોઃ જાહન્વી જોશી – રાજકોટ)

(જુઓ ગેલેક્સી ગરબાનો વિડિયો)

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]