લોકસભા ચૂંટણી પછી દેશભરમાં જનતા પર મોંઘવારીનો માર

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પછી દેશભરમાં  મોંઘવારી ઝડપથી વધી છે. સામાન્ય જનતાની રસોઈથી માંડીને બજેટ બધું બગડી રહ્યું છે. દૂધ-દહી, દાળની કિંમતોમાં વધારા પછી શાકભાજીની કિંમતોમાં 40 ટકાથી 70 ટકાની વચ્ચે વધારો જોવા મળ્યો છે.

દેશમાં દૂધ અને દહીંની કિંમતોમાં નોંધપાત્ર વધારો થયો છે, જ્યારે બટેટા, ડુંગળી અને ટામેટાંની કિંમતોમાં ખાસ્સો વધારો થયો છે. ટામેટાંની કિંમત જે રૂ. 30 ચાલતી હતી, એ હવે વધીને રૂ. 80એ પહોંચી છે. કોથમીરની કિંમતો થોડા દિવસ પહેલાં રૂ. 100 પ્રતિ કિલો મળતી હતી, જે હવે વધીને રૂ. 400 થઈ છે.  એક મહિના પહેલાં અડદ દાળના રૂ. 180 પ્રતિ કિલો હતા, જે હવે વધીને રૂ. 230 પ્રતિ કિલોએ પહોંચ્યા છે.  આ વધતી મોંઘવારીને જોતાં લોકો કહી રહ્યા છે કે ચિકનથી મોંઘી દાળ મળી રહી છે.

દેશમાં મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગનું મોંઘવારીમાં જીવન દોહ્યલું બની ગયું છે. બજારમાં દૈનિક જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવવધારાને કારણે સરકાર માટે ચિંતાનું કારણ છે. દેશમાં સરકારે લોકસભા ચૂંટણી પછી CNGની કિંમતોમાં પણ વધારો કર્યો હતો, જેનાથી મોંઘવારીમાં ઓર વધારો થવાની વકી છે. CNGના વધેલા દરો સામાન્ય લોકોના ખિસ્સાને સીધાં અસર કરશે.

દેશમાં જથ્થાબંધ ફુગાવાના દરમાં વધારો થયો છે અને તે 15 મહિનામાં સૌથી વધુ સપાટીએ પહોંચી ગયો છે. મે, 2024માં જથ્થાબંધ મોંઘવારી દર 2.61 ટકા પર આવી ગયો છે, જ્યારે અગાઉના મહિનામાં એટલે કે એપ્રિલ 2024માં જથ્થાબંધ મોંઘવારી દર 1.26 ટકા હતો.