નવી દિલ્હીઃ દેશભરમાં હજારો ખેડૂતોને આંદોલનના માર્ગે મૂકનાર ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓને આજે સત્તાવાર રીતે પાછા ખેંચી લેવામાં આવ્યા છે. આ કાયદાઓને રદ કરતા ખરડાને સંસદના બંને ગૃહે પાસ કરી દીધા છે. આમ છેલ્લા એક વર્ષથી આ કાયદાઓ વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોને મોટી રાહત થઈ છે. સંસદનું શિયાળુ સત્ર આજથી જ શરૂ થયું છે. કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર તોમરે સવારે લોકસભામાં ફાર્મ લોઝ રીપેલ બિલને રજૂ કર્યું હતું. અમુક જ મિનિટોમાં તે પાસ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ બપોરે તોમરે જ એને રાજ્ય સભામાં પણ રજૂ કર્યું હતું અને ત્યાં પણ એને તરત જ પાસ કરી દેવામાં આવ્યું હતું. કેન્દ્રીય પ્રધાનમંડળે ગયા અઠવાડિયે આ ખરડો પાસ કરી દીધો હતો.
હવે આ ખરડો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મોકલવામાં આવશે. તે મંજૂરીની મ્હોર મારશે એ પછી તે કાયદો બનશે.