લદ્દાખમાં ટેન્ક અભ્યાસ દરમ્યાન દુર્ઘટનાઃ પાંચ જવાનનાં મોત

નવી દિલ્હીઃ લદ્દાખના દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં નદી પાર કરવા માટે ટેન્ક અભ્યાસ દરમ્યાન અચાનક જળસ્તર વધવાથી દુર્ઘટના ઘટી છે, જેમાં સેનાના પાંચ જવાનોએ જીવ ગુમાવ્યા છે. આ માહિતી સંરક્ષણ વિભાગના અધિકારીએ આપી હતી. એ દુર્ઘટના વિશે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. શનિવારે લદ્દાખના ન્યોમા-ચુશુલ વિસ્તારમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ની પાસે અચાનક આવેલા પૂરને કારણે ટેન્ક ડૂબવાથી પાંચ સૈનિકના માર્યા જવાની આશંકા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

સેનાના જવાનો લદાખના દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં નદી પાર કરવાનો ટેન્ક અભ્યાસ કરી રહ્યા હતા. એ દરમિયાન અચાનક નદીનું જળ સ્તર વધી જતાં ટેન્ક પાણીની અંદર જ ફસાઈ ગઈ હતી.લેહથી 148 કિલોમીટર દૂર તાલીમ અભ્યાસ દરમ્યાન શુક્રવારે મોડી રાત્રે આ દુર્ઘટના થઈ હતી. આ દુર્ઘટનામાં T-72 ટેન્ક પર સવાર સૈનિક ડૂબ્યા હતા.

વાસ્તવમાં શુક્રવારે દૌલત બેગ ઓલ્ડીમાં ટેન્ક અભ્યાસ ચાલી રહ્યો હતો અને સેનાના અનેક ટેન્ક અહીં હાજર હતા. આ દરમિયાન ટેન્ક દ્વારા નદી કેવી રીતે પાર કરવામાં આવે છે તેનો અભ્યાસ ચાલી રહ્યો હતો. આ અભ્યાસ અંતર્ગત જ્યારે એક ટેન્ક નદી પાર કરવાનો પ્રયાસ કરવા લાગ્યું ત્યારે અચાનક નદીનો પ્રવાહ તેજ થઈ ગયો અને ટેન્ક તણાઈ ગઈ.

આ યુદ્ધ અભ્યાસ દરમ્યાન ઊંચાઈવાળા વિસ્તારોમાં વાદળ ફાટવાને કારણે અચાનક નદીમાં પૂર આવી ગયો ગયું હતું, જેથી એક ટેન્ક ફસાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં એક જુનિયર કમિશન્ડ અધિકારી પણ સામેલ છે.