નવી દિલ્હી – કોંગ્રેસ પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે તેનાં સત્તાવાર પ્રચાર સૂત્ર ‘અબ હોગા ન્યાય’ને આજે લોન્ચ કર્યું છે. આ સૂત્ર (ટેગલાઈન) કોંગ્રેસની મિનિમમ ઈન્કમ ગેરન્ટી સ્કીમ તથા પક્ષ પ્રમુખ રાહુલ ગાંધીને લક્ષમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે.
કોંગ્રેસે તેનો ચૂંટણીઢંઢેરો ક્યારનો બહાર પાડી દીધો છે જેનું શિર્ષક છે ‘કોંગ્રેસ વિલ ડિલિવર’ અર્થાત ‘હમ નિભાએંગે’. કોંગ્રેસે તેના ચૂંટણી ઘોષણાપત્રમાં કિસાનોની આર્થિક કફોડી હાલત અને બેરોજગારી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તદુપરાંત દેશના અત્યંત ગરીબ એવા આશરે 20 ટકા પરિવારોને વાર્ષિક રૂ. 72,000 આપવાનું વચન આપતી ન્યૂનતમ આવક યોજના (ન્યૂનતમ આય યોજના – NYAY) ઉપર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.
NYAY યોજના સહિત પક્ષે તેના ચૂંટણીઢંઢેરામાં જે મહત્ત્વના વચનો આપ્યા છે તેની પર ચૂંટણીપ્રચારમાં ખાસ ભાર મૂકવામાં આવશે. NYAY યોજના ઉપરાંત સૌને માટે હેલ્થકેર, શિક્ષણ માટેનું બજેટ બમણું કરવા, મહિલાઓ માટે અનામત ખરડો અને કિસાનો માટે અલગ બજેટ તૈયાર કરવા જેવા વચનનો પણ સમાવેશ થાય છે.
આરોગ્યની કાળજી માટે અધિકાર તથા એક નેટવર્ક હેઠળની જાહેર અને યાદીસૂચિત ખાનગી હોસ્પિટલોમાં મફત ડાયગ્નોસિટ્કસ, આઉટ-પેશન્ટ્સ કેર, મફતમાં દવાઓનું વિતરણ તથા હોસ્પિટલાઈઝેશન માટે કોંગ્રેસે તેના ચૂંટણીઢંઢેરામાં વચન આપ્યું છે.
પાર્ટીએ વચન આપ્યું છે કે તે સત્તા પર આવશે તો 17મી લોકસભાના પહેલા જ સત્રમાં લોકસભા તથા રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા સીટ અનામત રાખવા માટેનો મહિલા અનામત ખરડો પાસ કરશે.
કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું છે કે, ગરીબી પર વાર, રૂ. 72 હજાર, અબ હોગા ન્યાય સૂત્ર અમારા ચૂંટણી પ્રચારમાં અગ્રસ્થાને રહેશે.
પાર્ટીએ તેનું સત્તાવાર પ્રચાર ગીત પણ લોન્ચ કર્યું છે જેનાં શબ્દો જાણીતા બોલીવૂડ ગીતકારો જાવેદ અખ્તર તથા નિખીલ અડવાણીએ લખ્યાં છે.